Site icon Revoi.in

અમદાવાદમાં માર્ગોમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત, હવે મણિનગરના માર્ગમાં પડ્યો ભૂવો

Social Share

અમદાવાદઃ કેરળમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઈ ગઈ હતી અને આગામી દિવસોમાં ગુજરાતમાં પણ નેતૃત્વનું ચોમાસુ બેસશે. જો કે, તે પહેલા જ અમદાવાદ શહેરના માર્ગોમાં ભુવા પડવાની ઘટના બની રહી છે. હવે મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં માર્ગમાં મોટો ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે. ભૈરવનાથ વિસ્તારમાં માર્ગ ઉપર ભૂવો પડતા વાહન-ચાલકો મુશ્કેલીમાં વધારો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મણિનગરના ભૈરવનાથ ચાર રસ્તા ઉપર એક મોટો ભુવો પડ્યો છે. આ અંગેની જાણ થતા મનપા તંત્ર દ્વારા ભૂવો પુરવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન માર્ગમાં મોટો ભુવો પડતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં શિવરંજની ચાર રસ્તા ઉપર મોટો ભૂવો પડ્યો હતો આ ઉપરાંત 132 ફુટ રિંગરોડ ઉપર એઈસી નજીક મોટો ભુવો પડ્યો છે. મનપા તંત્ર દ્વારા આ માર્ગને બંધ કરીને ડાયવર્ઝન આપ્યું છે અને ભુવો પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત શિવરંજની ચાર રસ્તા પાસે ભુવાની આસપાસ મોટા પતરા લગાવવામાં આવ્યાં છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને. હવે વધુ મણિનગરના ભૈરવનાથ ચાર રસ્તા પાસે ભુવો પડ્યો છે. જેથી મનપાની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે. એટલું જ નહીં ચોમાસા પહેલા આ ભુવો પુરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. બીજી તરફ ચોમાસાને પગલે મનપા દ્વારા બિસ્માર માર્ગોના સમારકામની કામગીરી વધારે તેજ બનાવામાં આવી છે.

આ પહેલા અમદાવાદમાં વિશાલા નજીક રાજયાંશ મોલ પાછળ મેટ્રો લાઈન નીચે ભૂવો પડ્યો હતો. જેના પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ ઘટનાની જાણ થતાં જ કોર્પોરેશનની ટીમે ભૂવાનો કોર્ડન કરીને કામ ચલાવી લીધુ. આ તરફ વાસણા, ગરીબનગર અને વાળીનાથ ચોક પાસે પડેલા ભૂવાના સમારકામની કામગીરી ચાલુ કરી દેવાઈ છે.