ઢાકા, 16 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ ક્રિકેટ હાલમાં તેના ઇતિહાસના સૌથી મોટા વહીવટી અને શિસ્તભંગના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) 2026 ને ખેલાડીઓના બહિષ્કારને કારણે અચાનક રોકવી પડી છે. આ વિવાદનું મુખ્ય કારણ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના ડાયરેક્ટર એમ. નજમુલ ઈસ્લામ દ્વારા પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને ‘ઈન્ડિયન એજન્ટ’ કહેવાનું અપમાનજનક નિવેદન છે. બીજી તરફ મામલાને થાળે પાડવા માટે બોર્ડના ડાયરેક્ટની હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે મુસ્તફિઝુર રહેમાનને 9.2 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ ભારતમાં હિંદુઓ પરના અત્યાચારના વિરોધના બહાને બીસીસીઆઈએ તેને રિલીઝ કરી દીધો હતો. આ મામલે બીસીબીએ આક્રમક વલણ અપનાવી ભારતમાં T20 વર્લ્ડ કપ રમવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, તમીમ ઈકબાલે તાર્કિક વાત કરતા જણાવ્યું હતું કે, “ક્રિકેટના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ અને ICC સાથે વિવાદ કરવાને બદલે વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ.”
તમીમના આ નિવેદનથી નારાજ થઈને BCB ના ડાયરેક્ટર એમ. નજમુલ ઈસ્લામે તેને ભારતનો એજન્ટ ગણાવ્યો હતો. આટલું જ નહીં, તેમણે અન્ય ખેલાડીઓ પર પણ નિશાન સાધતા કહ્યું કે, “ખેલાડીઓ કોઈ મોટી ટુર્નામેન્ટ જીતી શકતા નથી, તો તેમને વધારાની સુવિધાઓ શા માટે આપવી?”
આ નિવેદનથી ડ્રેસિંગ રૂમમાં રોષ ફાટી નીકળ્યો હતો. કેપ્ટન નજમુલ હુસૈન શાન્તો અને મેહદી હસન મિરાજની આગેવાનીમાં ખેલાડીઓએ મેદાનમાં ઉતરવાનો ઈન્કાર કરી દીધો હતો. ટોસના સમય સુધી ટીમો ગ્રાઉન્ડ પર ન પહોંચતા BPL ના 15 જાન્યુઆરીના મેચ રદ કરવી પડી હતી. ખેલાડીઓના દબાણ વશ થઈને BCB એ તાકીદની બેઠક બોલાવી એમ. નજમુલ ઈસ્લામને ફાયનાન્સ કમિટીના ચેરમેન પદેથી હટાવી દીધા છે. જોકે, ખેલાડીઓ તેમને બોર્ડના ડાયરેક્ટર પદેથી પણ સંપૂર્ણપણે દૂર કરવાની અને જાહેરમાં માફી માંગવાની માંગ પર અડગ છે.
ખેલાડીઓના વિરોધને કારણે BPL ના આખા કાર્યક્રમને એક દિવસ પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. 15મી જાન્યુઆરીની મેચ હવે 16મી જાન્યુઆરીએ રમાશે. જ્યારે 16 અને 17 જાન્યુઆરીની મેચ 17 અને 18 જાન્યુઆરીના રોજ રમાશે. 19 જાન્યુઆરીના રોજ રમાનાર એલિમિનેટર અને ક્વોલિફાયર હવે 20 જાન્યુઆરીએ યોજાશે.
ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે જો બોર્ડ આ મામલે કડક નિર્ણય નહીં લે, તો આગામી T20 વર્લ્ડ કપ પહેલા બાંગ્લાદેશ ક્રિકેટની છબી આંતરરાષ્ટ્રીય સ્તરે ખરડાઈ શકે છે. સન્માન અને વ્યવસાયિક માહોલ માટે ખેલાડીઓએ લીધેલું આ સ્ટેન્ડ બાંગ્લાદેશ ક્રિકેટમાં મોટા પરિવર્તનના સંકેત આપી રહ્યું છે.

