Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં ભૂકંપનો આંચકો, પાલીતાણા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે દરમિયાન આજે વહેલી સવારે સૌરાષ્ટ્રના ભાવનગરમાં ધરા ધ્રુજી હતી. વહેલી પરોઢે આવેલા ભૂકંપની તીવ્રતા રિકટરસ્કેલ ઉપર લગભગ 3.5ની નોંધાઈ છે. તેમજ ભૂકંપનું કેન્દ્રબિનંદુ પાલિતાણા નજીક નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક મહિનામાં ભૂકંપના અવાર-નવાર હળવા આંચકા નોંધાઈ રહ્યાં છે. જેથી વૈજ્ઞાનિકો ગુજરાતની પેટાળમાં થતી તમામ હિલચાલ ઉપર નજર રાખી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરમાં વહેલી પરોઢે 4.12 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. વહેલી પરોઢે ધરતી ધ્રુજી તે સમયે લોકો ગાઢ નિદ્રામાં હતા, જેથી લોકો સફાળા જાગી ઉઠ્યા હતા અને ઘરની બહાર દોડી ગયાનું જાણવા મળે છે. ઘોઘા, તળાજા, પાલીતાણા, સિહોરમાં ભૂકંપની અસર જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલિતાણાથી 30 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.   

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપને હજુ ગુજરાતની જનતા ભૂલી નથી. આ ભૂકંપના આંચકામાં અનેક લોકોના મોત થયાં હતા, તેમજ અનેક બહુમાળી ઈમારતો ધરાશાયી થઈ હતી. ભૂકંપની સૌથી વધારે અસર કચ્છમાં થઈ હતી. વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભૂકંપના આંચકા બાદ અવાર-નવાર સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા આંચકા નોંધાય છે. ગુજરાતના પેટાળમાં ફોલ્ટલાઈન સક્રિય થઈ હોવાથી ભૂકંપના હળવા આંચકા આવતા હોવાનું તજજ્ઞો માની રહ્યાં છે.