Site icon Revoi.in

કંગાલ પાકિસ્તાનના મંત્રી ઈશાક ડારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ઉપર લગાવ્યો ગંભીર આરોપ

Social Share

નવી દિલ્હીઃ ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ડિફોલ્ટની આરે ઊભું છે. સરકાર ભલે તેનો ઇનકાર કરે, પરંતુ તેમને પણ વાસ્તવિકતાનો ખ્યાલ છે. પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે આરોપ લગાવ્યો છે કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ઈચ્છે છે કે પાકિસ્તાન શ્રીલંકા બની જાય, ગયા વર્ષે વિદેશી લોન ન ચૂકવવાને કારણે શ્રીલંકા ડિફોલ્ટ થયું હતું. ઘણા પ્રયત્નો અને લાંબી વાતચીત પછી પણ પાકિસ્તાન અને IMF વચ્ચે કોઈ સમજૂતી થઈ રહી નથી. પાકિસ્તાનની આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે ત્યારે તેના નેતાઓની IMF પ્રત્યેની નિરાશા સામે આવી છે.

ઇશાક ડારે સેનેટની સ્થાયી સમિતિની ફાઇનાન્સની બેઠકમાં કહ્યું કે, “અમે IMF કહે છે તે બધું સ્વીકારી શકતા નથી. તેઓ ઈચ્છે છે કે આપણે શ્રીલંકા બનીએ, ડિફોલ્ટ થઈએ અને પછી વાટાઘાટો કરીએ. આઈએમએફ દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે પાકિસ્તાનના બજેટની ટીકા કર્યા બાદ ડારનું નિવેદન આવ્યું છે. ડારે આરોપ લગાવ્યો હતો કે, પાકિસ્તાન સામે ભૂરાજનીતિ રમાઈ રહી છે. તેમણે કહ્યું કે, ‘દુશ્મન દેશો’ ઈચ્છે છે કે પાકિસ્તાન શ્રીલંકા બની જાય અને પછી IMF સાથે વાત કરે.

રોકડની તંગીવાળા પાકિસ્તાન પાસે એક મહિનાની આયાતને આવરી લેવા માટે ભાગ્યે જ પૂરતો ચલણ અનામત છે. પાકિસ્તાનને નવેમ્બરમાં $1.1 બિલિયન આવવાની અપેક્ષા હતી, પરંતુ IMFએ વધુ ચૂકવણી કરતા પહેલા પાકિસ્તાન પર આકરી શરતો લાદી હતી. બેઠકમાં ડારે કહ્યું, ‘પાકિસ્તાન એક સાર્વભૌમ દેશ છે. અમારું રાષ્ટ્રીય હિત છે. આઈએમએફના કહેવા પર અમે આઈટી સેક્ટરમાં યુવાનોને આપવામાં આવતી છૂટને રોકી શકીએ નહીં.

પાકિસ્તાનના નાણામંત્રીએ કહ્યું કે IMF સાથેની વાતચીત નિષ્ફળ ગઈ નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે સ્ટાફ-સ્તરના કરાર પર આ મહિને હસ્તાક્ષર કરવામાં આવશે. ડારના કહેવા પ્રમાણે, બધુ વ્યવસ્થિત છે અને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા ઈશાક ડારે કહ્યું હતું કે જો આઈએમએફ સાથે વાતચીત સફળ નહીં થાય તો સરકાર ‘પ્લાન બી’ પર કામ કરશે. જોકે, તેણે આ ‘પ્લાન બી’ વિશે જાહેરમાં વાત કરવાનો ઇનકાર કર્યો હતો.