Site icon Revoi.in

બિહારમાં મની લોન્ડરિંગ કેસમાં RJD ધારાસભ્ય કિરણ દેવી સામે EDની કાર્યવાહી, અનેક સ્થળો પર દરોડા

Social Share

પટણાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે બિહારના ભોજપુર જિલ્લા મુખ્યાલય આરામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) ધારાસભ્ય કિરણ દેવી સાથે જોડાયેલા પરિસરમાં સર્ચ કર્યું હતું. સૂત્રોએ દાવો કર્યો હતો કે, ગેરકાયદે રેતી ખનન કેસમાં કિરણ દેવી અને તેના પતિ અને ભૂતપૂર્વ ધારાસભ્ય અરુણ યાદવની કથિત સંડોવણી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર આરજેડી વડા લાલુ પ્રસાદ અને તેમના પરિવારના સભ્યોને સંડોવતા કથિત ‘જમીન માટે નોકરી’ કૌભાંડમાં અરુણ યાદવ પણ કેન્દ્રીય એજન્સીઓની તપાસ હેઠળ છે. આરજેડી નેતા કિરણ દેવી ભોજપુર જિલ્લાના સંદેશ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે. તેમના પતિ અરુણ કુમાર યાદવે પણ આ જ વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ વર્ષ 2015 થી 2020 સુધી કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે જ્યારે EDના અધિકારીઓ કિરણ દેવીના ઘરે પહોંચ્યા ત્યારે ધારાસભ્ય ત્યાં હાજર ન હતા. EDની ટીમે ભોજપુરના આગિયાવમાં ધારાસભ્ય સાથે સંકળાયેલા એક પરિસરમાં પણ સર્ચ કર્યું હતું. ગયા વર્ષે પણ કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓએ કથિત ‘જમીનના બદલે નોકરી’ કૌભાંડ અને ગેરકાયદેસર રેતી ખનન કેસના સંબંધમાં ભોજપુરમાં અરુણ યાદવના ઘરે દરોડા પાડ્યા હતા.