Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીની અટકળો ઉપર ચૂંટણીપંચે મૂક્યો પૂર્ણવિરામ

Social Share

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પસંદગી બાદ ભાજપ દ્વારા મંત્રીમંડળમાં પણ ભારે ફેરફાર કરવામાં આવ્યાં હતા. ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ પછી ભૂપેન્દ્ર પટેલે ચાર્જ પણ સંભાળી લીધો હતો. જો કે, વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવામાં આવે તેવી અટકળો વહેતી થઈ હતી. જો કે ગુજરાતની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી કમિશનરે તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ મુકીને કહ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર પરિવાર સાથે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગયા હતા. જ્યાં તેમણે માતાજીના ચરણોમાં શીશઝુકાવ્યું હતું. અંબા માતાજીમાં અતુટ શ્રદ્ધા ધરાવતા મુખ્ય ચુંટણી કમિશનર અવાર-નવાર માતાજીના દર્શન કરવા આવે છે. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સમયસર જ વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેમણે મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે મતદાન કરવા માટે અપીલ કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરની વિધાનસભાની ચૂંટણીને લઈને કરવામાં આવેલી સ્પષ્ટના લઈને તમામ અકટળો ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી વર્ષ 2022માં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ટર્મ પૂર્ણ થઈ રહી છે. દરમિયાન તાજેતરમાં જ વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. જેથી ભાજપ દ્વારા ભારે વિચારણા બાદ નવા મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. એટલું જ નહીં નવી સરકારમાં મંત્રીમંડળમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યાં છે. નો રિપીટ થીયરી અનુસાર મંત્રી મંડળમાં તમામ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.