Site icon Revoi.in

કચ્છમાં વીજળીની ચોરી, PGVCLના દરોડામાં 300 ચોરી કેસ પકડાયા બાદ ફરીવાર જૈસે થે’ જેવી સ્થિતિ

Social Share

ભુજ :  ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળી ચોરીનું સૌથી વધુ દુષણ છે. વીજ કંપની પીજીવીસીએલ દ્વારા દરોડા પાડીને વીજચોરી પકડી પાડવામાં આવતી હોય છે પરંતુ ફરી પાછી વીજચોરી શરૂ થઈ જતી હોય છે. જેમાં કચ્છમાં તાજેતરમાં પીજીવીસીએલના અધિકારીઓએ દરોડા પાડીને 300 જેટલી વીજચોરી પકડી પાડી હતી. અને દંડ પણ વસુલવામાં આવ્યો હતો. ત્યારબાદ વીજચોરીની સ્થિતિ જૈસે થે જેવી બની ગઈ છે.

કચ્છમાં વીજચોરીનું સૌથી વધુ દુષણ છે. જિલ્લામાં પી.જી.વી.સી.એલ.ની ચેકિંગ ટીમો ઊતરે છે ત્યારે લાખો રૂપિયાની વીજચોરી પકડાય છે. વીજચોરી કરનારા આખરે સમાધાન કરી છટકબારી શોધી લેતા હોય છે. રાજકોટ સ્થિત પીજીવીસીએલની કોર્પોરેટ કચેરીમાંથી આવેલી ટીમોએ તો 300 સ્થળે પાવર ચોરી પકડીને રૂા. 2.13 કરોડના દંડ કર્યો હતો. વીજ ગ્રાહકોને ખબર છે કે, એક વખત વીજચોરી કરતા પકડાશું તો શું, થોડા દિવસ જોડાણ કપાશે, પછી સમાધાન કરી ફરી નવું જોડાણ લઈ લઈશું અને આવું લાંબા સમયથી ચાલ્યા કરે છે. છેલ્લા લાંબા સમયથી એટલે તો વીજ કંપનીના દર વર્ષે કરોડો રૂપિયાના લેણા ચડતા જાય છે. પછી ચડી ગયેલાં નાણાં મુદ્દે પણ કંઈક આવું જ થાય છે. કોર્ટમાં કેસ ચાલે, આખરે સમાધાન થાય ને બિલ-દંડની રકમમાં માંડવાળ થતી હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બે દિવસ પહેલાં ભુજ તાલુકાના માઈનિંગ ક્ષેત્રના વીજ જોડાણમાં ડાયરેક્ટ વીજળી લેવાતી હોવાનો કિસ્સો પકડાયો હતો અને આ ચોરી પણ નાની ન હતી. દંડ સહિત રૂા. 50 લાખનું બિલ ફટકારવામાં આવ્યું હતું. મફત કે ચોરી કરવાની માનસિકતાનાં કારણે નિયમિત વીજબિલ ભરનારા ગ્રાહકોનો મરો થતો હોય છે. તાજેતરમાં રાજકોટ વીજ કોર્પોરેટ કચેરીમાંથી આવેલી ચેકિંગ ટીમોએ માંડવી, મુંદરા, ખાવડા, કુકમા, માધાપર, નખાત્રાણા, કોઠારા, નલિયા પેટા વિભાગ હેઠળ આવતા ઘર વપરાશ, વાણિજ્ય સહિતના 4165 વીજ જોડાણો તપાસ્યા હતા. જેમાં સૌથી વધુ ઘર વપરાશના 3364 વીજ જોડાણનો સમાવેશ થાય છે. વીજ અધિકારીએ આપેલી વિગતો પ્રમાણે આ તમામ વીજ જોડાણોમાંથી 300 સ્થળે ગેરરીતિ પકડાઈ હતી. ગ્રાહકો જુદી-જુદી રીતે પાવર તસ્કરી કરતા હોવાના કિસ્સા પકડી પાડવામાં આવ્યા હતા. માત્ર 4 દિવસમાં અકેસામટા 300 વીજ જોડાણમાં ગેરરીતિ પકડાઈ હોય એવો આ સંભવત: પહેલો કિસ્સો છે. વીજચોરી કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી કુલ્લ મળીને આ તમામ 300 ગ્રાહકોને રૂા. 2 કરોડ 13 લાખ અને 32 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. ચેકિંગ ટીમ જ્યાં જાય છે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત હોય છે છતાં ટીમના અધિકારી-કર્મચારીઓ ઉપર હુમલા કરવામાં આવતા હોય છે. બે દિવસ પહેલાં મોડસરમાં જીવલેણ હુમલો થયો હોવાનો કિસ્સો હજુ તાજો જ છે.