Site icon Revoi.in

સુરક્ષાદળોએ ઠાર કર્યા જૈશ-એ-મોહમ્મદના બે કમાન્ડર, પુલવામા એટેકનો માસ્ટરમાઈન્ડ ગાઝી પણ ઢેર

Social Share

જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદી કમાન્ડરોને ઠાર કર્યા છે. છેલ્લા અહેવાલ મુજબ, આતંકવાદીઓની ઓળખવિધિ પૂર્ણ થવાની બાકી હતી. પરંતુ જણાવવામાં આવે છે કે ઠાર થયેલા બંને આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ગાઝી રશીદ અને કામરાન હોવાનું જણાવવામાં આવે છે. ગાઝી રશિદ પુલવામા ખાતે સીઆરપીએફના 44 જવાનોને શહીદ કરનારા ફિદાઈન એટેકનો મુખ્ય ષડયંત્રકારી હતો. જ્યારે કામરાન પણ તેની સાથે સીઆરપીએફના કાફલા પર હુમલાનું ષડયંત્ર રચવામાં સામેલ હતો.

આતંકવાદ સામે યુદ્ધ

પુલવામાના પિંગલિનામાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકી કમાન્ડર ઠાર
પુલવામા એટેકનો માસ્ટર માઈન્ડ ગાઝી અને કામરાન ઠાર
પિંગલિના એન્કાઉન્ટરમાં સેનાના મેજર સહીત પાંચ જવાનો શહીદ

મીડિયા અહેવાલો મુજબ, 14મી ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ કામરાન અને ગાઝી રશીદ ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક આતંકવાદી મોહમ્મદ આદિલ ડાર ફિદાઈન એટેકમાં માર્યો ગયો હતો.

એજન્સીઓની જાણકારી મુજબ, ગાઝી જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરના સૌથી ઘનિષ્ઠ આતંકીઓમાંથી એક છે. ગાઝીને યુદ્ધ તકનીક અને આઈઈડી બનાવવાની તાલીમ તાલિબાનો પાસેથી મળી છે અને આ કામ માટે તેને જૈશ-એ-મોહમ્મદમાં સૌથી વધુ ભરોસાપાત્ર માનવામાં આવતો હતો.

જણાવવામાં આવે છે કે ગાઝી રશિદ નવમી ડિસેમ્બરે સીમા પાર કરીને કાશ્મીરમાં ઘૂસ્યો હતો. પુલવામા હુમલા બાદ સુરક્ષાદળોએ તેને પકડવા મટે વ્યાપક તલાશી અભિયાન શરૂ કર્યું હતું. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ બંને આતંકવાદીઓ છૂપાયા હતા, તે ઈમારતને વિસ્ફોટકોથી ઉડાવી દીધી હતી. મહત્વપૂર્ણ છે કે પુલવામાના પિંગલિનામાં ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે સુરક્ષાદળોએ આતંકવાદીઓની ઘેરાબંધી કરી હતી.

આ પહેલા મોડી રાત્રિથી સોમવારે સવાર સુધી 10 કલાકથી વધુ ચાલેલી અથડામણમાં 55મી રાષ્ટ્રીય રાઈફલ્સના મેજર સહીત પાંચ જવાનો શહીદ થયા છે. આ અથડામણમાં એક સિવિલિયનનું પણ મોત નીપજ્યું છે. શહીદોમાં મેજર ડી. એસ. ડોન્ડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવરામ, સિપાહી ગુલઝાર અહમદ, સિપાહી અજય કુમાર અને સિપાહી હરિસિંહનો સમાવેશ થાય છે. આ પાંચેય શહીદ જવાનો 55મી રાષ્ટ્રીય રાઈફલ્સના હતા.