Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં એન્કાઉન્ટર, હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓ ઠાર

Social Share

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના ખાત્માને લઈને સુરક્ષાદળો દ્વારા ચલાવાઈ રહેલું અભિયાન આગળ વધી રહ્યું છે. સોમવારે સાંજે ત્રાલમાં શરૂ થયેલા એન્કાઉન્ટરમાં મંગળવારે સવારે સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે અને આતંકવાદીઓ આશ્રયસ્થાન બનેલા મકાનને ઉડાવી દીધું છે. બંને આતંકવાદોની લાશ મળી છે. આ બંને આતંકવાદીઓ આતંકી જૂથ હિઝબુલ મુજાહિદ્દીનના હતા. સુરક્ષાદળોએ અહીંથી રાઈફલ સહીત ઘણો શસ્ત્રસરંજામ જપ્ત કર્યો છે.

સુરક્ષાદળોને ત્રાલના રેશી મહોલ્લામાં બેથી ત્રણ આતંકવાદીના છૂપાયા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પ્રાપ્ત થયા હતા. બાદમાં 42મી રાષ્ટ્રીય રાઈફલ્સ, સીઆરપીએફની 180મી બટાલિયન અને એસઓઝીની સંયુક્ત ટુકડીએ આખા વિસ્તારની ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ભીંસ વધતા સુરક્ષાદળોને નિશાન બનાવીને આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

સુરક્ષાદળોએ પણ આતંકવાદીઓના ફાયરિંગનો જવાબ આપ્યો હતો. આખી રાત્રિ ચાલેલા એન્કાઉન્ટરમાં મંગળવારે સવારે બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. માર્યા ગયેલા બંને આતંકવાદીઓ ત્રાલના જ વતની હતા. એક આતંકવાદીનું નામ ઈરફાન અહદમ અને બીજા આતંકવાદીનું નામ અદફાર ફયાઝ હતું. હાલ સુરક્ષાદળો દ્વારા અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એન્કાઉન્ટરની જાણકારી મળતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો સડકો પર ઉતરી આવ્યા હતા. બાદમાં સુરક્ષાદળોએ તેમને ખદેડયા હતા.

આ પહેલા જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ત્રણ દિવસ ગુરુવારે મોડી રાત્રિથી રવિવાર સુધી એન્કાઉન્ટર ચાલ્યું હતું. આ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ ઠાર થયા હતા. જો કે કાટમાળમાં છૂપાયેલા મરેલા મનાતા આતંકવાદીના ફાયરિંગમાં સીઆરપીએફના ત્રણ અને પોલીસના બે જવાનો શહીદ થયા હતા. એન્કાઉન્ટર દરમિયાન એક સિવિલયનનું પણ મોત નીપજ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો મટે ફેબ્રુઆરીનો મહીનો ઘણો મહત્વપૂર્ણ રહ્યો છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં સુરક્ષાદળોએ ઘણાં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. 14મી ફેબ્રુઆરીએ જ પુલવામા ખાતેના આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 આતંકવાદીઓ શહીદ થયા હતા. પુલવામા એટેક બાદ હુમલાના માસ્ટરમાઈન્ડ જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર રાશિદ ગાઝીને ઠાર માર્યો હતો. ગત એક સપ્તાહમાં શોપિયાં અને કુલગામમાં સુરક્ષાદળોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.