Site icon Revoi.in

લોકમેળામાં મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર કાર રેસલર અને બાઇક રાઇડરની રાજકોટમાં એન્ટ્રી

Social Share

રાજકોટ: આવતીકાલથી તહેવારોની શૃંખલા શરૂ થઈ જશે. ત્યારે રાજકોટના ‘‘રસરંગ લોકમેળા’’માં મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર વાહન ચાલકોની એન્ટ્રી થઇ ચૂકી છે. યુ.પી.ના બે કાર ચાલકો અને ત્રણ બાઇક ચાલકોના ખુલ્લા હાથની એક હાથે કરાનારી ડ્રાઈવિંગના કરતબો લોકોને રોમાંચિત કરશે. તો તે પૈકીની મહિલા બાઇક રાઇડર પૂજા પણ સાહસિકતાથી સૌરાષ્ટ્રવાસીઓને અચંબિત કરી દેશે.

ઉત્તર પ્રદેશના મુઝફરનગરથી આવેલા ૪૫ વર્ષીય કાર ચાલક અબ્દુલ રહેમાન અન્સારી છેલ્લા બાર વર્ષથી રાજકોટના લોકમેળામાં તેમનું હુન્નર મોતના કુવામાં રજૂ કરી લાખો લોકોને મંત્રમુગ્ધ કરતાં હોય છે. તેઓ કહે છે કે, લોકોને અચંબિત કરી દેવાનું ઝનૂન જ અમને સાહસ કરવા માટે પ્રેરે છે. આમ તો અમારે ખેતીવાડી છે પરંતુ મારા પિતા, ભાઇ, કાકા, મામા બધા જ મારી જેમ કાર રેસલર જ છે. શરૂઆતમાં અમે મોતના કુવામાં સાયકલ ચલાવતા હતા, પછી બાઇક અને હવે કાર ચલાવીએ છીએ. એટલે આ અમારું ચાલીસેક વર્ષ જૂનું ખાનદાની વારસાઇ કામ છે. નાનપણથી અમે મોતના કુવામાં બાઇક કાર ચલાવાની કરતબો કરીએ છીએ.

કાર રેસલર અબ્દુલભાઇ કહે છે કે, અમે તામીલનાડુ, કેરલ, આંધ્રપ્રદેશ સહિતના તમામ રાજયોના મેળામાં ફરીએ છીએ પરંતુ અમે રાજકોટ જેટલો શ્રેષ્ઠ ચિકકાર જનમેદની ધરાવતો મેળો અમે કયારેય જોયો નથી. અહીં કમાણી તો થાય જ છે પણ સાથોસાથ અમારા સાહસના કૌશલ્યનો બહોળો લોક પ્રતિસાદ અમારા સાહસને પ્રોત્સાહન આપે છે. લોકમેળામાં અમને સૌને સારી એવી આવક થાય છે. ગુજરાન ચાલે છે. આ મેળો અમારા જેવા તમામ કારીગરોને રોજગારીની તક પૂરી પાડે છે. આ મોતના કુવા માટે ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે યુપી, બિહારથી સ્કૂટર ચાલક અને ગાડી ચાલકો આવશે. અને પોતાનો હુન્નરને લોકોને દર્શાવશે.”

આ મોતના કુવાના ‘વંદેમાતરમ’ ટીમના માલિક વાંકાનેરના ઝાકીરભાઇ બ્લોચ છે. તેઓ વર્ષોથી રાજકોટના મેળામાં મોતના કુવા ચલાવે છે. તેઓ સમગ્ર ગુજરાત અને ભારતભરમાં યોજાતા મેળાઓમાં પણ મોતના કુવા યોજે છે. આ કુવા માટે બારથી પંદર કારીગરો પણ તે યુપી, રાજસ્થાનથી બોલાવે છે.તેની પૂર્વ તૈયારી માટે રાજસ્થાનના અજમેરથી આવે છે.