Site icon Revoi.in

હરિદ્વાર હરકી પૌડી પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ

Social Share

હરિદ્વાર, 16 જાન્યુઆરી 2026: વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ હરિદ્વારની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ‘શ્રીગંગા સભા’ દ્વારા અત્યંત કડક પગલાં લેવામાં આવ્યા છે. હરકી પૌડી ક્ષેત્રમાં હવે બિન-હિંદુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, જે અંગેના બોર્ડ પણ ઠેર-ઠેર લગાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતા વીડિયોને રોકવા માટે રીલ્સ બનાવવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

રીલ્સ અને ફિલ્મી ગીતો પર પ્રતિબંધ તીર્થસ્થળની ગરિમાને ધ્યાનમાં રાખીને શ્રીગંગા સભાએ હરકી પૌડી અને માલવીય દ્વીપ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈ પણ પ્રકારના ફિલ્મી ગીતો પર ડાન્સ કરવો, ફિલ્મ શૂટિંગ કરવું કે સોશિયલ મીડિયા રીલ્સ બનાવવી હવે ગુનો ગણાશે. સભાના મહામંત્રી તન્મય વશિષ્ઠે ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ આવા વીડિયો વાયરલ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતરમાં હરકી પૌડી ઘાટ પર બે યુવકો અરબી વેશભૂષામાં ફરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં યુવકો પોતાની જાતને દુબઈના રહેવાસી ગણાવી રહ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ તીર્થ પુરોહિતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પુરોહિતોના મતે, આ પ્રકારના કૃત્યોથી હરિદ્વારની ધાર્મિક મર્યાદાનું હનન થાય છે અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ સમગ્ર મામલે શ્રીગંગા સભાના સચિવ ઉજ્જવલ પંડિતે પોલીસ ચોકીમાં જાણ કરી છે. શહેર કોટવાલી પ્રભારી રિતેશ શાહે જણાવ્યું હતું કે, “અમે વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. વીડિયોમાં દેખાતા યુવકોની ઓળખ કરવામાં આવી રહી છે અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.” અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક સ્થળો પર અભદ્ર રીલ્સ બનાવવાની ઘટનાઓ વધી રહી છે, જેના પર અંકુશ લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃમહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: BMCમાં ભાજપનો દબદબો

Exit mobile version