નવી દિલ્હી, 26 જાન્યુઆરી 2026: ભારતે આજે પોતાનો 77મો ગણતંત્ર દિવસ પૂરી આન, બાન અને શાન સાથે ઉજવ્યો હતો. રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલા ભવ્ય સમારોહમાં દેશની સૈન્ય તાકાત, સાંસ્કૃતિક વિવિધતા અને વધતા જતા વૈશ્વિક પ્રભાવનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તિરંગો ફરકાવ્યો હતો, ત્યારબાદ રાષ્ટ્રગીત અને 21 તોપોની સલામી સાથે પરેડનો શાનદાર પ્રારંભ થયો હતો.
આ વર્ષનો સમારોહ અત્યંત ખાસ રહ્યો કારણ કે યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ વખતની પરેડ ‘સ્વતંત્રતાનો મંત્ર-વંદે માતરમ‘ અને ‘સમૃદ્ધિનો મંત્ર-આત્મનિર્ભર ભારત’ની થીમ પર આધારિત હતી. રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના રચયિતા બંકિમચંદ્ર ચેટર્જીની યાદોને ફૂલો અને જૂના ચિત્રો (પેઇન્ટિંગ્સ) દ્વારા કર્તવ્ય પથ પર જીવંત કરવામાં આવી હતી.
પરેડમાં આ વખતે કેટલાક વિશેષ દસ્તાઓ સામેલ થયા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લદાખની કડકડતી ઠંડીમાં તહેનાત રહેતા બે ખૂંધવાળા ઊંટ, ઝાન્સ્કર ટટ્ટુ અને શિકારમાં માહેર કાળા ગરુડ પ્રથમ વખત ‘હિમ યોદ્ધા’ તરીકે પરેડનો હિસ્સા બન્યા હતા. મુધોલ હાઉન્ડ અને રામપુર હાઉન્ડ જેવી ભારતીય નસ્લના શ્વાન બુલેટ-પ્રૂફ જેકેટ, જીપીએસ અને કેમેરા સાથે સજ્જ થઈને પરેડમાં નીકળ્યા હતા.
આ પરેડમાં મહિલા નેતૃત્વનો જબરદસ્ત પ્રભાવ જોવા મળ્યો. કોસ્ટ ગાર્ડથી લઈને સીઆરપીએફ સુધી, મહિલા અધિકારીઓએ માર્ચિંગ દસ્તાઓની કમાન સંભાળી હતી. વિશેષ ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના જયપુરની સુશ્રી ચારુ સિંહે 200 સ્વયંસેવકો ધરાવતા ‘MY ભારત’ રાષ્ટ્રીય સેવા યોજના દળનું નેતૃત્વ કરીને પ્રદેશનું ગૌરવ વધાર્યું હતું.
વાયુસેનાના 29 લડાકુ વિમાનો, હેલિકોપ્ટરો અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે આકાશમાં અદભૂત કરતબ દર્શાવ્યા હતા. ફ્લાયપાસ્ટ દરમિયાન બનેલું ‘સિંદૂર’ ફોર્મેશન દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત, 129 હેલિકોપ્ટર યુનિટના Mi-17 વિમાનોએ કર્તવ્ય પથ પર પુષ્પવર્ષા કરીને દર્શકોનું અભિવાદન કર્યું હતું.
પરેડમાં કુલ 30 ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં 17 રાજ્યો અને 13 મંત્રાલયની ઝલક જોવા મળી હતી. આ ઝાંખીઓ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થવા અને વિવિધ ક્ષેત્રોમાં ભારતની આત્મનિર્ભરતા દર્શાવતી હતી. સમારોહની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ સાથે થઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જમીનથી લઈને આકાશ સુધી દિલ્હી અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું હતું.
આ પણ વાંચોઃ કઠુઆમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું, પ્રજાસત્તાક દિવસે હાઈ એલર્ટ

