Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાને મહિનો વિત્યો છતાં કર્મચારીઓને મહેનતાણું મળ્યુ નથી

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો પણ સંભાળી લીધા છે. તેને એક મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને મહેનતાણાની રકમ મળી નથી. આ અંગે કર્મચારીઓેએ પત્ર લખીને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને દેશના ચૂંટણી પંચ સુધી ફરિયાદો કરી હતી. જે સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા તમામ કલેક્ટરોને બાકી રકમની ચૂકવણી 10 દિવસમાં કરી દેવા સૂચના આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચના નિયમ મુજબ વિધાનસભા ચૂંટણીમાં કામગીરી કરનારા  મતદાન સ્ટાફ અને ચૂંટણી લક્ષી કામગીરી માટે રોકાયેલા અન્ય સ્ટાફને મહેનતાણું ચૂકવવામાં આવે છે. આ ચુકવણી કરવાની જવાબદારી જે તે જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટરની હોય છે પરંતુ મહિનો થવા છતાં કર્મચારીઓને મહેનતાણાના નાણાં મળ્યા નથી. જેથી મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને પત્ર લખીને સૂચના આપવામાં આવી છે. જે મુજબ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તથા ચૂંટણીલક્ષી કામગીરી માટે રોકાયેલા અન્ય સ્ટાફને તેમના મહેનતાણાના નાણાં 10 દિવસમાં ચૂકવી દેવામાં આવે તેમજ હવે કોઇ નાણાં ચૂકવવાના બાકી રહેતા નથી તે મતલબનું પ્રમાણપત્ર 15મી જાન્યુઆરી સુધીમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીને મોકલી આપવાનું રહેશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ફરજ બજાવી ચૂકેલા કર્મચારીઓને ચૂંટણી પંચ દ્વારા કામગીરી કર્યાનું મહેનતાણું ચૂકવવામાં આવતું હોય છે. કર્મચારીઓને મહિના પછી પણ મહેનતાણું ન ચુકવાતા આ અંગે રાજ્ય ચૂંટણી પંચને ફરિયાદ કરતા જ બાકી મહેનતાણું સત્વરે ચુકવી આપવાનો આદેશ કરાયો છે. તેથી કર્મચારીઓને એક સપ્તાહમાં મહેનતાણું ચૂકવી દેવામાં આવશે.