Site icon Revoi.in

ગાંધીનગરમાં 1435 સરકારી ક્વાટર્સ જર્જરિત બન્યા હોવા છતાં કર્મચારીઓ ખાલી કરતા નથી

Social Share

ગાંધીનગરઃ  પાટનગર એવા ગાંધીનગરથી રાજ્યભરનો કારોબાર ચાલતો હોવાથી વિવિધ વિભાગોની સરકારી કચેરીઓ આવેલી છે. તેમજ સરકારના કર્મચારીઓને રહેવા માટે સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવ્યા છે. વર્ષો પહેલા બનાવેલા 1435 સરકારી આવાસો ભયજનક હોવા છતાં તેમાં કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહે છે. તંત્ર દ્વારા સમજાવટ બાદ પણ ખાલી કરવામાં આવતા નથી. આથી પાટનગર યોજના ભવન દ્વારા આવા કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. પાટનગર યોજના વિભાગે કરેલા સર્વે મુજબ શહેરમાં સરકારી કર્મચારીઓ માટેના 5120 આવાસો ભયનજક છે. આવા આવાસો તોડીને બહુમાળી ટાવર બનાવીને સરકારી કર્મચારીઓને ફાળવવામાં આવી રહ્યા છે. પરંતુ નવી ભરતીને કારણે કર્મચારીઓની સંખ્યા વધતા તેની સામે પુરતા ક્વાર્ટર નથી જેથી કર્મચારીઓ ભયજનક હોવા છતાં આવાસ ખાલી કરતા નથી.

પાટનગર યોજના વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં અલગ અલગ વિસ્તારોમાંથી આવતા કર્મચારીઓ પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે વિવિધ કેટેગરીના 13222 આવાસોમાંથી 5120 આવાસો જર્જરીત હાલત હોવા છતાં 1435 જર્જરીત આવાસોમાં સરકારી કર્મચારીઓ પરિવાર સાથે રહી રહ્યા છે. જોકે આવા કર્મચારીઓના પરિવારોને આવાસ જર્જરીત હોવાથી ખાલી કરવાની નોટીસ ફટકારવામાં આવી છે. તેમ છતાં જર્જરીત આવાસોમાં રહેતા સરકારી કર્મચારીઓ ખાલી કરતા નથી. ચાર દાયકા કરતા પણ વધુ જૂના આ મકાનમાં ગમે ત્યારે દૂર્ઘટના ઘટે તેવી સંભાવના વચ્ચે પણ આ કર્મચારીઓ વસવાટ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ જર્જરીત આવાસોને તોડીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવા બહુમાળી ટાવર બનાવવામાં આવી રહ્યા છે. જોકે અત્યાર સુધીમાં અલગ અલગ સેક્ટરમાં છ જેટલા બહુમાળી ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે. જ્યારે અન્ય સેક્ટરોમાં બહુમાળી ટાવરો બનાવવાની કામગીરી ચાલી રહી છે. સરકારી ક્વાર્ટરની અછત સર્જાતા હજારો કર્મચારીઓ વેઇટિંગમાં છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગરના ક, ખ અને ગ કક્ષાના જર્જરિત બનેલા સરકારી આવાસોમાં એકપણ કર્મચારી રહેતા નથી. જ્યારે ક્લાસ-1 અધિકારીને અપાતા ગ-1 કક્ષાના આવાસમાં પણ 13 અધિકારીઓ રહે છે. ઘ કક્ષાના આવાસમાં 38, ઘ-1 કક્ષાના આવાસમાં 2, ચ કક્ષાના આવાસમાં 71, ચ-1 કક્ષાના આવાસમાં 24, છ કક્ષાના આવાસમાં 491, જ કક્ષાના આવાસમાં 372, જ-1 કક્ષાના આવાસમાં 169, જ-2 કક્ષાના આવાસમાં 255 આવાસોમાં કર્મચારીઓ પરિવાર સાથે રહે છે.