Site icon Revoi.in

વલ્લભીપુરમાં સરકારી ઈમારતોની હાલત જર્જરિત છતાં તંત્રને મરામત કરાવવાની ફુરસદ મળતી નથી

Social Share

ભાવનગરઃ જિલ્લાના વલભીપુરમાં આવેલી મોટાભાગની સરકારી કચેરીઓની હાલત બિસ્માર અને જર્જરીત થઇ ગઇ છે. તેમાંથી ઘણી મિલ્કતો તો પડુ પડુ હાલતમાં છે. સરકારી તંત્રને જર્જરિત બનેલી મિલ્કતોની મરામત માટે ફુરસદ મળતી નથી. સરકારી હોસ્પિટલ તેમજ વિવિધ કચેરીઓ જેમાં મામલતદાર, માર્ગ-મકાન, સામૂહિક આરોગ્ય કેન્દ્ર,સંકલીત બાળ વિકાસ યોજના, સીટી સર્વે, ન્યાય મંદિર, જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગની કચેરી,સબ રજીસ્ટ્રાર ઓફિસ પાણી પુરવઠા કચેરી તેમજ રેસ્ટ હાઉસની હાલત જર્જરીત થઇ ગઇ છે. એક પણ કચેરીની હાલત સારી નથી તેથી કચેરીની મુલાકાતે આવતા અરજદારો, હોસ્પિટલમાં આવતા દર્દીઓની માથે સતત ભય તોળાયેલો રહ્યો છે અને આ તમામ કચેરીઓમાં ફરજ બજાવતા ઓફીસરો,કર્મચારીઓ ઉપર પણ જોખમ રહેલુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વલભીપુરમાં આવેલી સરકારી કચેરીઓની કફોડી હાલત એવી બની છે કે શહેરમાં અન્ય કોઇ સરકારી કે, ખાનગી મિલ્કતો આવેલી નથી જેથી આ મિલ્કતોમાં કચેરીઓ હંગામી ધોરણે સ્થળાંતર કરી શકાય અને તેના કારણે કોકડુ ગુંચવાયું છે. સૌથી વધુ હાલત ખરાબ સામૂહિક આરોગ્ય કેન્દ્રની છે કારણ કે એક તરફથી હોસ્પિટલ તાત્કાલીક ધોરણે ખાલી કરો તેવા આદેશ ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવે છે તો બીજી તરફ આવડી મોટી હોસ્પિટલ કયાં સ્થળે ફેરવી કે જેથી ઈન્ડોર અને આઉટડોર દર્દીઓને સારવાર આપી શકાય તેવી વિમાસણમાં સ્થાનિક વહીવટી વિભાગ મુંઝવણમાં છે. વિશાળ જગ્યા ભાડે મળતી નથી સરકાર હસ્તકની કોઇ જગ્યા છે નહીં અને ભાડે આપવા માટે કોઇ તૈયાર થતું નથી. આ અંગે સરકારી ઈમારતોની મરામત કે નવી બનાવવા માટે છેક ગાંધીનગર સુધી રજુઆતો કરી હતી. પણ મરામત કરવાની તંત્રને ફુરસદ મળતી નથી.