Site icon Revoi.in

ગુજરાતમાં માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ, પ્રશ્નોના ઉકેલ માટે કમિટીની રચના

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે પાટનગરમાં વિવિધ કર્મચારી મંડળોની આંદોલનની મોસમ ખીલી ઊઠી છે, ત્યારે સરકારે સમાધાનના પ્રયાસો હાથ ધરીને એસટી નિગમ અને વન કર્માચારીઓની માગણીઓ ઉકેલીને લડત પાછી ખેંચાવી છે. આ ઉપરાંત માજી સૈનિકોના આંદોલનનો પણ વિધિવત અંત આવ્યો છે. ગાંધીનગર રેન્જ આઈજીપી અભય ચુડાસમાએ માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ થયાની સત્તાવાર જાહેરાત કરી હતી. માજી સૈનિકોની 14 પડતર માંગણીઓ લઈને સરકાર કમિટીની રચના કરવામાં આવતાં બુધવારે માજી સૈનિકોએ વિધિવત આંદોલન સમેટી લીધું છે.

રાજ્ય સરકાર સામે 14 પડતર માંગણીઓને લઇને આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોએ છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર સચિવાલય બહાર આંદોલન શરૂ કર્યું હતું. જેનો બુધવારે અંત આવ્યો હતો. માજી સૈનિકોએ 14 પડતર માંગણીઓ લઈને સરકાર સામે જંગ છેડ્યો હતો. ઘણા લાંબા સમયથી પડતર માંગણીઓ લઈને માજી સૈનિકો સરકારમાં રજૂઆત કરતાં હતાં. પરંતુ સરકાર દ્વારા કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવતા માજી સૈનિકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. છેલ્લે માજી સૈનિકોએ રાજપાલને મેડલ પરત કરવાની પણ તૈયારી દર્શાવી હતી. જો કે આજે માજી સૈનિકોએ હડતાળ સમેટી લીધી હોવાની સત્તાવાર રેન્જ આઈજી અભય ચુડાસમાએ જાહેરાત કરી છે. હવે માજી સૈનિકોની 14 પડતર માંગણીઓ લઈને કમિટીની રચના કરવામાં આવતાં આંદોલનનો અંત આવી ચૂક્યો છે. જો કે કમિટિ કેટલા સમયમાં માજી સૈનિકોની માંગણીઓ સંદર્ભે નિરાકરણ લાવશે તેની કોઈ સમય મર્યાદા નક્કી નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, માજી સૈનિકોની પડતર માંગણીઓમાં શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય, શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી, શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન, ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર, શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા, વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ, અને માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ સહિતની 14 પ્રશ્નો ઉઠાવ્યા છે. સરકારે પ્રશ્નો ઉકેલવા માટે કમિટીની રચના કરી છે.