અમદાવાદઃ ગાંધીનગરસ્થિત મુખ્યમંત્રીના કાર્યાલયમાં ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિની કારોબારીના સભ્યોએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી. સભ્યોએ તેમને ગુજરાતી અખબારી પત્રકારત્વના ચાલી રહેલા 200મા વર્ષની માહિતી આપીને ઉજવણીના મુખ્ય સમારંભમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. અમદાવાદમાં એક ભવ્ય સમારંભ કરીને મુખ્યમંત્રીના હસ્તે મુંબઈ સમાચાર અખબારનું અભિવાદન કરવાનો નિર્ણય કરાયો છે. સમિતિએ આ માટે આજે તેમને વિધિસર આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો હતો. સભ્યોએ તેમને માહિતી આપી હતી કે, પહેલી જુલાઈ, 2021થી ગુજરાતી અખબારી પત્રકારત્વના બસોમા વર્ષનો પ્રારંભ થયો છે. એ વખતે તત્કાલીન મુખ્યમંત્રીના સંદેશા સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો.
ભારતના વડાપ્રધાને પણ એ વખતે મુંબઈ સમાચારના સંચાલકો પર ખાસ સંદેશો મોકલ્યો હતો અને ભારતના ટપાલ વિભાગે મુંબઈ સમાચાર વિશે ટપાલ ટિકિટ પણ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. આ બધી વિગત જાણીને મુખ્યમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતમાં સમિતિના સંયોજક રમેશ તન્ના, નિલેશ દવે, મુકુંદ પંડ્યા (વરિષ્ઠ પત્રકાર) અજય નાયક (એક્ઝિક્યુટિવ તંત્રી), શિરીષ કાશિકર (ડિરેકટર, NIMCJ), કિરીટ ખમાર, કિરીટ ઉપાધ્યાય અને ભિખેશ ભટ્ટ (વરિષ્ઠ પત્રકાર) જોડાયા હતા.