Site icon Revoi.in

ઈરાન-પાકિસ્તાન તણાવ પર એક્સપર્ટ્સ ચિંતિત, કહ્યુ- મુસ્લિમ દેશ ખુદનો તો બચાવ કરી શકતા નથી, એકબીજા પર કરે છે હુમલા

Social Share

નવી દિલ્હી : ઈરાને મંગળવારે પશ્ચિમ પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો પર મિસાઈલો અને ડ્રોન્સથી હુમલા કર્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાને પણ ઈરાનના કેટલાક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાને ઈરાનના સિસ્તાન-બલૂચિસ્તાન પ્રાંતમાં કથિતપણે આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. આ હુમલામાંથી બંને ઈસ્લામિક દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે.

પાકિસ્તાને કહ્યું છે કે ઈરાનના હુમલામાં બે બાળકોના મોત નીપજ્યા છે. તેણે ઈરાનને ધમકી આપતા કહ્યુ છે કે ઈરાનના હુમલાના ગંભીર પરિણામ ભોગવવા પડશે. પાકિસ્તાનના હુમલાને લઈને ઈરાનના મીડિયાએ કહ્યું છે કે સિસ્તાન બલૂચિસ્તાનમાં ઘણી મિસાઈલો પડી છે, તેમાં ત્રણ મહિલાઓ અને ચાર બાળકોના મોત નીપજ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે, ઈરાની મીડિયાનું કહેવું છે કે મૃતકો ઈરાનના નાગરિકો ન હતા.

ઈરાને પાકિસ્તાન પર હુમલાના એક દિવસ પહેલા જ સોમવારે ઈરાક અને સીરિયા પર પણ હુમલા કર્યા હતા. પોતાના હુમલાનો બચાવ કરતા ઈરાને કહ્યું હતું કે તેણે ઈરાક અને સીરિયા પર હુમલા કર્યા, જેથી આ  બંને દેશોની જમીન પરથી તેની વિરુદ્ધ ઓપરેટ થઈ રહેલા આતંકવાદીઓને સજા આપી શકાય.

ઈસ્લામિક વિશ્વમાં હમાસ-ઈઝરાયલ યુદ્ધ અને હવે ઈરાન-પાકિસ્તાનના તણાવ વચ્ચે નવો લોહિયાળ અધ્યાય શરૂ થવાની દહેશત છે. અમેરિકાની ડેલાવેયર યૂનિવર્સિટીમાં ઈસ્લામિક સ્ટડીઝના ફાઉન્ડિંગ ડાયરેક્ટર ભારતીય મૂળના પ્રોફેસર મુક્તદર ખાને હમાસ-ઈઝરાયલ યુદ્ધ સંદર્ભે કહ્યુ છે કે ઈસ્લામિક દેશ ખુદનો બચાવ કરી શકતા નથી. એનાથી વિપરીત એકબીજા પર હુમલા કરવા માટે બાંયો ચઢાવે છે.

પ્રોફેસર મુક્તદર ખાને કહ્યુ છે કે મધ્ય-પૂર્વ બેહદ અસ્થિર છે અને ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓની વિરુદ્ધ અમેરિકા અને બ્રિટન પણ એકજૂટ થઈને હુમલા કરી રહ્યા છે. તેવામાં ઈરાન-પાકિસ્તાનનું યુદ્ધમાં ઉલઝવું આખી દુનિયા માટે ઘાતક સાબિત થઈ શકે છે.

તેઓ કહે છે કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે સાથે મળીને આતંકવાદનો સામનો કરવાનો એક કરાર પણ છે. જો કોઈ દેશની સાથે તમારા સંબંધો દોસ્તાના છે, તો આ પ્રકારના હુમલાથી પહેલા તમમે તે દેશને જાણકારી આપો છો.  પરંતુ ઈરાને આવું કર્યું નથી, તેના પરથી લાગે છે કે તેને પાકિસ્તાનની સરકાર પર વિશ્વાસ નથી. ઈરાનને કદાચ એવું લાગે છે કે પાકિસ્તાનને હુમલાની જાણકારી આપવાથી, તેઓ આતંકવાદીઓને આને લઈને સચેત કરી શકે છે.

મુક્તદર ખાને કહ્યુ છે કે ઈરાને કોઈપણ પ્રકારની વળતી કાર્યવાહીની પરવાહ કર્યા વગર પાકિસ્તાન ખાતેના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા, જેનાથી ઉજાગર થાય છે કે તેને પાકિસ્તાનો બિલકુલ ડર નથી.

તેઓ કહે છે કે જો તમે પાકિસ્તાની છો, પાકિસ્તાનની સેનામાંથી છો, આ તમારા માટે અપમાનની જેમ છે. આતંકવાદના મુદ્દાને લઈને ઈરાનને પાકિસ્તાન સાથે વાતચીત પર બિલકુલ ભરોસો નથી અને તેમનું સ્પષ્ટ માનવું છે કે પાકિસ્તાનમાં આતંકવાદી છૂપાયેલા છે અને તેઓ તેમનો સાથ આપી રહ્યા છે, અમે આતંકવાદીઓને મારીશું. તમે થાય તે કરી લો. ઠીક આવું જ ભારત પાકિસ્તાનને લઈને વિચારે છે.

રિટાયર્ડ એર માર્શલ અને સંરક્ષણ મામલાના જાણકાર અનિલ ચોપડાએ ઈરાનના હુમલા બાદ પાકિસ્તાન દ્વારા તેના પર થયેલા હુમલા પર ચિંતા વ્યક્ત કરી છે.ડિફેન્સ એક્સપર્ટ અનિલ ચોપડાએ કહ્યુ છે કે ઈરાનની સેના શક્તિશાળી છે અને પાકિસ્તાનની પણ. તેવમાં જો બંને દેશો વચ્ચે કોઈ સંઘર્ષની શરૂઆત થાય છે, તો આ સૌથી વધુ દુર્ભાગ્યપૂર્ણ હશે.