દુબઈ, 17 માર્ચ 2026: મધ્ય-પૂર્વના દેશોમાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. મંગળવારે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના ફુજૈરાહ બંદર પર એક ઓઇલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના કારણે ઓઇલ ઇન્ડસ્ટ્રી ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બીજી તરફ, ઇરાકમાં ઈરાન સમર્થિત સંગઠનોએ અમેરિકી ઠેકાણાઓ પર ડ્રોન હુમલા તેજ કર્યા છે.
સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરાહ બંદર નજીક એક તેલના ટેન્કર પર રહસ્યમય હુમલો થયો હતો. આ હુમલા બાદ ફુજૈરાહ ઓઇલ ઇન્ડસ્ટ્રી ઝોનમાં આગ લાગી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઈરાન તરફથી સતત થઈ રહેલા હુમલાના ભયને જોતા, યુએઈના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે દેશની હવાઈ સીમાને અસ્થાયી રૂપે સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી છે. સરકારી મીડિયાએ તેને સુરક્ષાત્મક પગલું ગણાવ્યું છે જેથી મુસાફરો અને વિમાનોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
ઇરાકની રાજધાની બગદાદમાં ઈરાન સમર્થિત ઉગ્રવાદી જૂથોએ અમેરિકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોને નિશાન બનાવ્યા છે. વિસ્ફોટકોથી સજ્જ ડ્રોન વડે બગદાદની પ્રખ્યાત ‘રોયલ ટ્યુલિપ હોટલ’ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હોટલ અમેરિકી દૂતાવાસની નજીક આવેલી છે અને અહીં અનેક વિદેશી રાજદ્વારીઓ રોકાયા હતા. જોકે, આ હુમલામાં કોઈ મોટા નુકસાનના સમાચાર નથી, પરંતુ આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે.
સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે ઇઝરાયેલે લેબનોન પર હવાઈ હુમલા શરૂ કર્યા. દક્ષિણ બેરૂતમાં કરવામાં આવેલા આ હવાઈ હુમલામાં અનેક રહેણાંક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. ઇઝરાયેલનો દાવો છે કે તેઓ હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યા છે. અગાઉ હુમલાની આશંકા અને સૈન્ય ગતિવિધિઓને કારણે ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું હતું, પરંતુ લેટેસ્ટ અપડેટ મુજબ ઈરાને ફરીથી પોતાની હવાઈ સીમાઓ આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે ખોલી દીધી છે. છતાં, સમગ્ર મિડલ ઈસ્ટમાં હજુ પણ હાઈ એલર્ટની સ્થિતિ છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો પસાર: લગ્નની લાલચ આપી ધર્મ બદલાવનારને 7 વર્ષની જેલ

