Site icon Revoi.in

ચીનની મેલીમુરાદને નિષ્ફળ, ભારતે પડોશી દેશોને જરૂરી મદદ પુરી પાડી સંબંધ વધારે મજબુત બનાવ્યાં

Social Share

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દુનિયામાં અમેરિકા અને ચીન પોતાને મહાસત્તા માને છે જ્યારે ભારત પણ હવે મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. દરમિયાન ભારતના પડોશી દેશોને ચીન આર્થિક સહિતની મદદ કરીને આ દેશોને ભારત વિરોધમાં લઈ જવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જો કે, ચીનની આ કુટનીતિને પડોશી પ્રથમ યોજનાથી ભારત જવાબ આપી રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન ભારતે પાકિસ્તાન સિવાય તમામ પડોશી દેશોની કોરોનાની રસી ઉપલબ્ધ કરાવી હતી એટલું જ નહીં દવા સહિતની જરૂરી મદદ પુરી પાડવામાં આવી રહ્યો છે. આર્થિક કટોકટીનો સામનો કરતા શ્રીલંકાને પણ ભારતે ઈંધણ સહિતની મદદ પુરી પાડી છે.

વિદેશ મામલાના જાણકાર આદિત્ય પટેલે કહ્યું હતું કે, ચીનના દેવા હેઠળ શ્રીલંકા બર્બાદ થઈ ગયું છે. આર્થિક અને સામાજિક સ્થિતિને ભારે નુકસાન થયું છે. લોકો ભુખ્યા પેટે સુવા મજબુત બન્યાં છે અને મોંઘવારી ચરમ સીમા ઉપર પહોંચી છે. બીજી તરફ ચીન દ્વારા દેવુ માફ નહીં કરવાની સાથે વ્યાજ ઉપર પણ છુટછાટ આપવામાં આવી નથી. પરંતુ શ્રીલંકાની મદદ માટે ભારત આગળ આવ્યું છે. ભારતે શ્રીલંકાને આર્થિક મદદ કરવાની સાથે ખાદ્ય, તેલ તથા અન્ય જરૂરી વસ્તુઓની મદદ કરી રહ્યું છે. આમ ભારત અને શ્રીલંકા વચ્ચે સંબંધ વધારે મજબુત બન્યાં છે જ્યારે શ્રીલંકા અને ચીન વચ્ચેના સંબંધમાં અંતર આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, શ્રીલંકા અને નેપાળ જ નહીં પરંતુ કેટલાક વર્ષોમાં ચીન દ્વારા ભૂતાન, મ્યાંમાર, માલદીવનો ભારત સાથે સંબંધ ખરાબ કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ભારત દ્વારા આ દેશોને જરૂરી વસ્તુઓની મદદ પુરી પાડીને ચીનનની મેલી મુરાદ પૂર્ણ થવા દીધી નથી. મ્યાંમારમાં સેનાએ સત્તા ઉપર કબજો જમાવ્યો હતો, ભારતે સેનાની કાર્યવાહીની નીંદા કરી હતી પરંતુ જરૂરી મદદ પુરી પાડવામાં આવી રહી છે. માલદીવમાં પણ ચીને મુખ્ય વિપક્ષી પાર્ટી સાથે હાથ મીલાવીને ભારત વિરોધી આંદોલન શરૂ કરાવ્યું હતું. જો કે, સત્તાધારી પાર્ટીએ આ આંદોલનને વધારે મહત્વ આપ્યું ન હતું. આમ ભારત અને માલદીવ વચ્ચે સંબંધ વધારે મજબુત બન્યાં છે.