Site icon Revoi.in

મહાનગરોમાં નકલી પોલીસનો ઉપદ્રવઃ દર વર્ષે 50થી બનાવો નોંધાય છે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં નકલી પોલીસ દ્વારા નિર્દોષ લોકોને લૂંટવાના બનાવો બની રહ્યા છે. નકલી પોલીસને પકડવા માટે અસલી પોલીસ સોગઠાં ગોઠવે છે પરંતુ તે પહેલાં નાગરિકો લૂંટાઇ ચૂક્યાં હોય છે, હવે તો સુંદર યુવતિઓ રાખીને લૂંટ ચલાવાય છે

ગુજરાતમાં નકલી પોલીસ બનીને લોકોને છેતરતી ગેન્ગ ફરી પાછી સક્રિય બની ગઇ છે. પ્રતિવર્ષ 50 થી 70 કિસ્સા નોંધાય છે. આ નકલી પોલીસથી અસલી પોલીસ પણ અચંબામાં પડી જાય છે. હિન્દી ફિલ્મોમાં હોય છે તેવા દ્રશ્યો સર્જાતા જોવા મળે છે. પોલીસનો ડ્રેસકોડ પહેરીને નકલી પોલીસ નિર્દોષ લોકોને દંડે છે છતાં આ શિરસ્તો અટકતો નથી. સરકાર કે પોલીસ તેની સામે કોઇ કાર્યવાહી કરી શકતું નથી પરિણામે નકલી પોલીસના સ્વાંગમાં રાહદારી તેમજ વાહન ચાલકો લૂંટાય છે. સૌથી વધુ નકલી પોલીસ સુરત, વડોદરા અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાંથી પકડાઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કેટલાક કેસો સામે આવ્યા છે.

હાઇવે પર કે શહેરના નિર્જન માર્ગો પર લિફ્ટના બહાને સુંદર યુવતીને ઉભી રાખીને નાગરિકોને લૂંટવામાં આવે છે. આ યુવતીને લિફ્ટ આપ્યા પછી વાહનચાલક નકલી પોલીસનો ભોગ બને છે. આ પ્રકારના બનાવો અમદાવાદ અને ગાંધીનગર હાઇવે પર વધુ પ્રમાણમાં જોવા મળે છે. પોલીસનો ડ્રેસ પહેરીને નકલી આઇકાર્ડ બનાવીને લોકોનો લૂંટી લેતી નકલી પોલીસ જેલમાંથી છૂટીને પાછી એ જ લૂંટારૂં ટોળીમાં સામેલ થઇ જાય છે. એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ગયા વર્ષે નકલી પોલીસના 75 કિસ્સા સામે આવ્યા છે જે અચરજ પમાડે તેવા છે