Site icon Revoi.in

ગુજરાતમાં નકલી બિયારણ ખૂલ્લેઆમ વેચાય છે, ભાજપના જ સાંસદે કૃષિમંત્રીને લખ્યો પત્ર

Social Share

રાજકોટઃ ગુજરાતમાં રવિ સીઝનની વાવણીના ટાણે જ  ખેડુતોને ભોળવીને નકલી બિયારણનો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના જ  રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. કે,  નકલી બિયારણ દ્વારા ખેડૂતને થતી છેતરપિંડી એ એક ચિંતાજનક વિષય છે. આ માટે સરકાર દ્વારા નકલી બિયારણનું વેચાણ કરતા વેપારીની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વેપારી પાસેથી ખેડૂતોને વળતર ભરપાઈ કરાવવી જોઇએ.

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, મારી પાસે ખેડૂતોની રજૂઆત આવી છે અને હું પણ ખેડૂત પુત્ર છું. માટે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે  વાતચિત થયા પછી પત્ર લખ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી છે. અમુક વેપારીઓ નકલી સર્ટીફાઇડ બિયારણ વેચતા હોવાથી ખેડૂતોને નુકસાન જાય છે. નકલી બિયારણ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. કડક કાયદો બનાવી આવા વેપારીઓના લાઇસન્સ પણ રદ્દ કરવા જોઈએ. જે વેપારી પકડાઈ તેની પાસેથી ખેડૂતોના નુકસાનની પણ ભરપાઈ કરાવવી જોઈએ.

ગુજરાતમાં નકલી બિયારણનું સરેઆમ વેચાણ થતું હોવાના ભાજપના સાંસદે કૃષિમંત્રીને લખેલા પત્રના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. આ પત્ર બાદ કૃષિ મંત્રી દ્વારા તાત્કાલિક બેઠક બોલાવાઈ છે.

આ મુદ્દે રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક યોજના લઈ આવે છે. સરકાર ખેડૂતોના હિતમાં કામ કરે છે. નકલી બિયારણથી પાક નિષ્ફળ થાય છે. આ માટે કાયદામાં સુધારો લાવવો જરૂરી છે, જેથી નકલી બિયારણ ન વેચાઈ શકે. અમુક વેપારીઓ નકલી સર્ટીફાઇડ બિયારણ વેંચતા હોવાથી ખેડૂતોને નુકસાન જાય છે. નકલી બિયારણ વેંચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. કડક કાયદો બનાવી આવા વેપારીઓના લાઇસન્સ પણ રદ્દ કરવા જોઈએ. ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણ વેંચાતું હોવાનું થોડું ધ્યાનમાં આવ્યું છે. સરકારની આંખ અને કાન બનીને મને જાણ થાય એટલે હું સરકારમાં રજૂઆત કરૂં છું. ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળ અંગે મેં સરકારમાં રજૂઆત કરી છે. ખેડૂતોને નકલી બિયારણને કારણે નુકસાન જાય છે. પાણીનો બગાડ અને મહેનત તેમજ સમયનો વ્યય થાય છે. મારી રજૂઆત અંગે સરકાર પણ પગલાં લે છે તેથી મને સંતોષ છે. 23 ઓક્ટોબરના રોજ મેં આ પત્ર લખ્યો હતો. સરકારે તાત્કાલિક અસરથી બેઠક બોલાવી છે. બી.ટી કપાસનું નકલી બિયારણ વેચાતું હોવાથી ખેડૂતોને નુકસાન જાય છે. કપાસ પકવતા ખેડૂતો જ નકલી બિયારણમાં ફસાઈ જાય છે.