નવી દિલ્હી, 23 જૂન 2026: ભારત અને બ્રિટન વચ્ચેના આર્થિક અને વ્યાપારિક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે મંગળવારે જણાવ્યું હતું કે, ભારત-બ્રિટન વ્યાપક આર્થિક અને વ્યાપારિક સમજૂતી આગામી 15 જુલાઈથી સત્તાવાર રીતે લાગુ થવા જઈ રહી છે. આ કરાર સંપૂર્ણપણે સામાન્ય જનતા અને વેપારીઓના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી દેશભરના ખેડૂતો, કારીગરો, સ્ટાર્ટઅપ્સ અને નાના વેપારીઓને વૈશ્વિક સ્તરે વિકાસ કરવાની અભૂતપૂર્વ તક મળશે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, આ ઐતિહાસિક કરાર હેઠળ બ્રિટનના પ્રીમિયમ બજાર સુધી ભારતની સીધી પહોંચ થવાથી દેશની મહિલા ઉદ્યોગસાહસિકો, યુવાનો, સ્ટાર્ટઅપ્સ અને MSME ક્ષેત્ર માટે વૈશ્વિક સ્તરે નવા દ્વાર ખુલશે. આ સમજૂતી ભારતના મૂળભૂત આર્થિક હિતો સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના સમાજના વંચિત વર્ગોને પણ આર્થિક રીતે સશક્ત બનાવશે.
મંત્રીએ તેમના વિગતવાર લેખમાં આ કરારની સૌથી મોટી વિશેષતા દર્શાવતા લખ્યું છે કે, 15 જુલાઈથી લાગુ થનારા આ પરિવર્તનકારી કરાર હેઠળ બ્રિટન દ્વારા ભારતની લગભગ 99 ટકા ટેરિફ લાઇન (પ્રોડક્ટ્સ) પરથી કસ્ટમ ડ્યુટી તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવશે. આ છૂટછાટ બંને દેશો વચ્ચેના લગભગ 100 ટકા વ્યાપાર મૂલ્યને કવર કરે છે, જે ભારતીય નિકાસકારો માટે સૌથી મોટી તક સાબિત થશે.
-
હળદર, મરી, એલચી અને કેરી બ્રિટનમાં વેચાશે ‘ટેક્સ ફ્રી’
આ કરારથી ભારતીય કૃષિ ક્ષેત્રને વૈશ્વિક બજાર મળવાનું છે. ભારતની હળદર, કાળી મરી, એલચી અને કેરીનો પલ્પ (મેંગો પલ્પ), અથાણાં તેમજ દાળ જેવા પ્રોસેસ્ડ ફૂડ ઉત્પાદનોને યુકેમાં કોઈ પણ પ્રકારની ડ્યુટી (ટેક્સ) વગર એન્ટ્રી મળશે. આનાથી કૃષિ નિકાસમાં જંગી વધારો થશે, ખેડૂતોની આવક બમણી થશે અને ગુણવત્તાયુક્ત પેકેજિંગ ઉદ્યોગમાં રોજગારીની નવી તકો ઉભી થશે.
-
ભારતીય ખેડૂતોના હિતોની સુરક્ષા: ડેરી અને અનાજ કરારથી બહાર
કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે ભારતના સંવેદનશીલ કૃષિ ક્ષેત્રો અને સ્થાનિક ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કર્યું છે. આ અંતર્ગત ડેરી પ્રોડક્ટ્સ, અનાજ, મોટા અનાજ (મિલેટ્સ), સફરજન, ઓટ્સ અને ખાદ્ય તેલ જેવા મહત્વના ક્ષેત્રોને આ કરારથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવ્યા છે. આ નિર્ણય સરકારની એ નીતિને દર્શાવે છે જેમાં દેશની ખાદ્ય સુરક્ષા અને સ્થાનિક બજારની કિંમતો સ્થિર રાખવાને પ્રાથમિકતા અપાય છે.
ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરની હાજરીમાં આ સીઇટીએ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારની વ્યાપક અસર અંગે વાત કરતા મંત્રી ગોયલે ઉમેર્યું કે, “તિરુપુરના હાથશાળથી લઈને બેંગલુરુની પ્રયોગશાળાઓ સુધી, સુરતના હીરા કારીગરોથી લઈને હૈદરાબાદના સોફ્ટવેર નિષ્ણાતો સુધી, આ સમજૂતી દેશની અર્થવ્યવસ્થાના દરેક મહત્વપૂર્ણ હિસ્સાને સ્પર્શશે અને વિકાસની નવી સંભાવનાઓ પેદા કરશે.” આ ઉપરાંત ફૂટબોલ, ક્રિકેટના સાધનો, રગ્બી બોલ અને રમકડાં બનાવતી ભારતીય કંપનીઓ પણ ટેક્સ હટવાના કારણે બ્રિટનમાં પોતાના બિઝનેસનો ઝડપથી વિસ્તાર કરી શકશે.

