Site icon Revoi.in

કચ્છના અબડાસા પંથકમાં સૂર્યમુખીના સારા પાકથી ખેડુતો ખૂશખૂશાલ

Social Share

ભૂજ :  કચ્છ આમ તો સુકો પ્રદેશ ગણાય છે. પણ નર્મદાના નીર કચ્છ સુધી પહોંચ્યા બાદ હવે બંજર જમીન પણ લીલી ફળદ્રુપ બનવા લાગી છે. ખારેકથી લઈને કેસર કેરી અને અન્ય ફળફળાદી માટે પણ હવે કચ્છ વખણાવા લાગ્યુ છે. હવે વેરાન ગણાતા અબડાસા વિસ્તારામાં સૂર્યમુખીના સારા પાકથી ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. અબડાસામાં ત્રણેક મહિના પૂર્વે આઠથી દસ ગામોની 2000 એકર પિયત જમીનમાં 200 ખેડૂતોએ સૂરજમુખીનું વાવેતર કર્યું હતું. જેનો હવે ફાલ ઊતરી રહ્યો છે.

અબડાસા તાલુકામાં 2000 એકર જમીનમાં સૂર્યમુખીનું વાવેતર કરાયુ હતું. માફકસરના હવામાનને કારણે સૂર્યમુખીના સારાએવા ફુલ બેઠા હતા અને ઉતારો પણ સારો આવતા ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. સૂરજમુખીના ભાવો ચાલુ વર્ષે સારા છે. ત્રણેક મહિના પૂર્વે તાલુકાના પ્રજાઉ, વાડાપદ્ધર, ભાનાડા, ખીરસરા (કો), વરાડિયા, કોઠારા, વાંકુ, હાજાપર વગેરે ગામોમાં ગત ફેબ્રુઆરીમાં સૂરજમુખીનું વાવેતર કરાયું હતું. ચાલુ વર્ષે પ્રથમ વખત ખેડૂતોએ વધુ એકરમાં વાવેતર કર્યું હતું. જેનો હવે પ્રતિ એકરે 20થી 25 મણ 800થી 1000 કિ.ગ્રા.નો ઉતારો આવી રહ્યો છે.

ગયા વર્ષે પ્રતિ 40 કિ.ગ્રા.ના ભાવ રૂા. 1200 હતો. વર્તમાન સમયમાં પ્રતિ 40 કિ.ગ્રા.ના 1950નો ભાવ આવે છે. ખરીદી માટે સ્થાનિક વેપારીઓ તથા  ભુજ અને અલગ-અલગ વિસ્તારના વેપારીઓ પહોંચી આવ્યા છે. દરમિયાન સૂરજમુખીની ખેતીમાં આમ તો જમીનમાંથી રસકસ (ફળદ્રુપતા) નાસ પામે છે. જમીનની ગુણવત્તા સારી હોય તો ફાલ સારો આવે છે. પ્રતિએકરે 2 કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. જેની કિંમત રૂા. 600 છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય સિઝનમાં તેનો પાક લઈ શકાય છે. 2000થી 2500 ટી.ડી.એસ.વાળું પાણી હોય તો પણ આ ખેતી થઈ શકે છે. અલબત્ત, વખતોવખત જમીનની માવજત પણ કરવી પડે છે. સૂરજમુખીનું વાવેતર શ્રમિકો દ્વારા ચોપણી દ્વારા કરાય છે.’