Site icon Revoi.in

જામનગરના લાલપુર તાલુકાના ચાર ગામના ખેડુતોએ સામુહિક ખેતીનો અભિગન અપનાવતા ફાયદો થયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ખેતી પાછળ કરતો ખર્ચ વધી રહ્યો હોવાથી ખેડુતોની હાલત કફોડી બની રહી છે ત્યારે જામનગર પંથકમાં સામુહિક ખેતીના અભિગમે ખેડુતો પગભર થઈ રહ્યા છે. રાજ્યભરમાં બાગાયત ખેતીને સરકાર દ્વારા ખૂબ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. વાવણીથી લઇ વેચાણ સુધીની દરેક પ્રક્રિયામાં સરકાર મદદ કરી રહી છે એવા સમયે જામનગર પંથકના ખેડૂતોએ સામુહિક ખેતી કરીને સમૃધ્ધિ તરફ ડગ માંડ્યા છે. સામુહિક ખેતી કરીને ખેતીનું ખર્ચ તો ઘટાડ્યું છે. સરકારી લાભ પણ વધુ મેળવ્યો છે.

જામનગરના લાલપુર તાલુકાના ભોજાબેડી, ગઢકડા, નાના ખડબા અને બાઘલા ગામના 25 ખેડૂતોએ કુલ 324 વીઘા જેટલી જમીન પર સમુહ ખેતી શરુ કરી છે. 25 ખેડૂતો પોતાના ખેતરોમાં તરબૂચ અને અન્ય બાગાયતી પાકોની ખેતી કરી પ્રતિ વીઘા 50 હજારથી વધુ નફો મેળવી રહ્યા છે. આ સમૂહના કોઈ પણ ખેડૂતને વાવણીથી વેચાણ સુધીમાં કોઈ પણ માર્ગદર્શન, સહાયની જરૂર હોય તો આ સમૂહ એકબીજાને તેમાં મદદરૂપ બને છે. સામુહિક ખેતી કરતા એક ખેડુતે જણાવ્યું હતું કે આ સમૂહ ખેતીની સમસ્યાથી લઇને બજાર સુધીની સેવા આપે છે. ખેડુતો એકબીજાને મદદરુપ થાય છે. ખેડૂતો આધુનિક ખેત પદ્ધતિ અને સાધનો જેવા કે ડ્રીપ ઈરીગેશન, મલ્ચીંગ, ક્રોપ કવરનો ઉપયોગ કરી પાણીની બચત, નિંદામણની અટકાયત, જીવાત નિયંત્રણનો લાભ મેળવી રહ્યા છે. તેમણે કહ્યું કે, તરબૂચના પાકમાં જમીનમાં ભેજનું પ્રમાણ ખૂબ અગત્યતા ધરાવે છે ત્યારે મલ્ચીંગ દ્વારા ઓછા પાણીએ જમીનમાં ભેજ જળવાય છે અને પાકને જરૂરિયાત સમયે આ ભેજનો લાભ મળી રહે છે. આ વર્ષે અનેક વિસ્તારોમાં તરબૂચમાં ફૂગજન્ય રોગ જોવા મળ્યો છે, જે મલ્ચીંગના કારણે અમારા સમૂહના ખેડૂતોના તરબૂચના પાકમાં લાગી શક્યો નથી. ક્રોપ કવર દ્વારા ખેડૂતને વીઘે આઠ હજાર જેટલો જંતુનાશક દવાઓનો ખર્ચો બચે છે. ઉત્પાદનમાં પણ એમને 2 થી 4 ટનનો વધારો મળ્યો છે. વળી સરકાર દ્વારા પણ બાગાયત વિભાગની ક્રોપ કવર માટેની 50 ટકા જેટલી સબસિડી ઉપલબ્ધ હોવાથી ખેડૂતને પાકની ઉત્પાદન પ્રક્રિયાના ખર્ચમાં અને ગુણવત્તામાં બંનેમાં ખૂબ જ ફાયદો મળ્યો છે. મલ્ચીંગ અને ક્રોપ કવરના ફાયદાથી આ સમૂહના ખેડૂતોને એક વીઘાએ 7 થી 8 ટન જેટલા તરબૂચનું ઉત્પાદન મળ્યું છે. હાલ તો આ સમગ્ર પાક સુરત, અમદાવાદ, ડીસા, પોરબંદર, જામનગર, જુનાગઢ, રાજકોટ જિલ્લાઓમાં વેચાણ કરવામાં આવે છે. આ સમૂહ દ્વારા તરબૂચ, ટેટી ઉપરાંત મરચાં, ટામેટાં, રીંગણ, કાકડી વગેરે જેવા શાકભાજીની ખેતી પણ કરવામાં આવે છે. સમુહ દ્વારા અત્યાર સુધીમાં 65થી 70 હજાર ટન તરબૂચનું વેચાણ કરવામાં આવ્યું છે.