Site icon Revoi.in

કચ્છના ખેડુતો હળદરના વાવેતર તરફ વળ્યાઃ હવે ગામેગામ હળદરની ખેતી થવા લાગી

Social Share

ભૂજઃ કચ્છ જિલ્લાની બંઝર ભૂમિ પણ હવે ખેડુતોની મહેનતથી ફળદ્રુપ બની રહી છે. કચ્છમાં હવે કેસર કેરીનું ઉત્પાદન પણ સારૂએવું થાય છે. ખેડુતો બાગાયત વિકાસ બાદ મસાલા પાકો તરફ નવું સાહસ કરી રહ્યા છે. સેલમ હળદરના મૂલ્યને કચ્છના સાહસિક ખેડૂતોએ પારખીને વાવેતરથી વેચાણ સુધીના નવા આયામ સર કર્યા છે.

કચ્છમાં ખેડુતો સેલમ હળદરની ખેતી કરવા લાગ્યા છે. હળદરના પાકને કચ્છનું વાતાવરણ પણ માફક આવી ગયું છે. હળદરની ખેતી ગત વર્ષે કોરોનાકાળમાં વાવેતર કરીને સૌ પ્રથમવાર કચ્છના પ0થી વધુ ખેડૂતોએ શરૂ કરી હતી.  છેલ્લાં બે વર્ષથી ભચાઉ તાલુકાના આધોઈ ખાતે 40 એકરમાં હળદરની ખેતી કરતા ખેડુતોએ જણાવ્યું હતું કે, પ્રમાણસર ઠંડું અને ભેજવાળું વાતાવરણ, સારાં નીતારવાળી સેન્દ્રીય તત્વો ધરાવતી, ગોરાડું, મધ્યમ કાળી કે નદી કાંઠાના કાંપવાળી ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ આવે છે, જે કચ્છની જમીનમાં છે. ખેતરમાં પાળા કરી મે-જૂન માસમાં વાવેતર કરવામાં આવે છે. એક એકરે 1000 કિલો 6 ઈંચના અંતરે વાવતેર કરીએ છીએ. એક એકરે 40 થી 50 હજાર બિયારણનો ખર્ચ આવે છે. ખાતર, મજૂરી, બિયારણ સહિતનો ખર્ચ પ0 થી 70 હજાર જેટલો ખર્ચ એક એકરમાં થાય છે. જેની સામે એક એકરમાં ઉત્પાદન 7 થી 10 ટન મળે છે. તેમાં જો ખેડૂતો સૂકવીને હળદર બનાવીને વેચે તો એકરે વધુ આવક મેળવી શકે.

આ ઉપરાંત ભુજ તાલુકાના આણંદસરના અગ્રણી ખેડૂતે પણ પંદર વર્ષ જૂના આંબાના બગીચા વચ્ચે સેલમ હળદર વાવી છે. તેઓ કહે છે કે આંબા તો કમાણી કરાવી આપે છે, પણ બે આંબા વચ્ચે જગ્યા ખાલી પડી છે તો હવે હળદર એક બોનસ પાક સાબિત થશે. હળદરની ખેતી કચ્છના ખેડૂતો માટે સરળ છે. કોરોનાકાળ દરમિયાન પણ કોરોના સામે રોગપ્રતિકારક શકિત વધારવા હળદરની માંગ વધી છે. તેથી આવનારા સમયમાં જેમ હળદર શરીર માટે રામબાણ છે તેવી જ રીતે કચ્છના ખેડૂતોને કમાણીના સાધન તરીકે રામબાણ સાબિત થશે. ગઢશીશાના ખેડુતોએ પણ પપૈયાના છોડ વચ્ચે હળદરનું વાવેતર કર્યુ છે. ખેડુતોનું માનવું  છે કે, આંતર પાકનો અખતરો છે, ઓછું ઉત્પાદન આવશે તો પણ ભાવ સારા હોવાથી આવકના આંકડા સરભર થઈ રહેશે. ભુજ તાલુકાના સુખપરના એક  ખેડુતે તો  હળદરની ખેતી વાવી તથા તેનું પ્રોસેસિંગ પણ ચાલુ કરી દીધું છે. તેના માટે લીલી હળદરને ચોખ્ખા પાણીથી ધોઈ, તેણે નાના કટકા કરવા માટે મશીન પણ વસાવી લીધું છે. આ નાના કટકા બે-ચાર દિવસ સૂર્યના તાપમાં સૂકવી તેને મિક્સરમાં પીસી પાઉડર બનાવીને વેચવાનું શરૂ કરી દીધું છે. ખેડુત વાવેતરથી વેચાણ સુધીની આખી ક્રિયા-પ્રક્રિયા પસાર કરી રોલ મોડેલ બન્યા છે.