Site icon Revoi.in

ડીસા માર્કેટ યાર્ડમાં તમાકુના પાકના પુરા ભાવ ન મળતા ખેડુતોએ હરાજી બંધ કરાવી

Social Share

પાલનપુરઃ જિલ્લાના ડીસા માર્કેટ યાર્ડમાં સીઝનમાં પ્રથમ વખત તમાકુની હરાજી માત્ર રૂપિયા 700 રૂપિયાથી શરૂ થતા અને પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોએ હલ્લાબોલ કરી માર્કેટયાર્ડ ઓફિસનો ઘેરાવો કર્યો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે સેક્રેટરીએ રૂપિયા 1000 પ્રતિ મણના ભાવથી હરાજી શરૂ કરવાની ખાતરી આપતા હરાજીનું કામ પૂન: શરૂ થયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષના પ્રથમ 1લી એપ્રિલથી ડીસા માર્કેટયાર્ડ ફરી રાબેતા મુજબ ધમધમતું થયું છે. માર્કેટ યાર્ડમાં આવેલા તમાકુ શેડમાં આ સીઝનની તમાકુની પ્રથમ હરાજી શરૂ થઈ હતી. જોકે ગત વર્ષે ખેડૂતોને પ્રતિમણ તમાકુના 1400થી 1500 રૂપિયાનો સરેરાશ ભાવ મળ્યો હતો. ત્યારે આ વખતે હરાજીની શરૂઆતના પ્રથમ દિવસે માત્ર રૂ. 700 પ્રતિમણના ભાવથી શરૂ થતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો અને હરાજી અટકાવી દીધી હતી. ત્યારબાદ ખેડૂતોનું મોટું ટોળું ડીસા માર્કેટયાર્ડ કચેરીનો ઘેરાવ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. દરમિયાન ખેડૂત આગેવાન દિનેશ ચૌધરી અને અમરતભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષે વારંવાર માવઠા અને કમોસમી વરસાદના કારણે તમાકુનો પાક નષ્ટ થયો છે. અમુક ખેડૂતોએ માંડ માંડ બચાવીને તમાકુ માર્કેટયાર્ડ ભેગી કરી છે. ત્યારે વેપારીઓએ ખેડૂતોનું શોષણ કરવાનું મન બનાવી લીધું હોય તેમ માત્ર રૂ. 700થી હરાજી શરૂ કરી છે. રૂ. 700માં અત્યારે એક જોડી કપડાં પણ આવતા નથી. આ વર્ષે વારંવાર હવામાન પલટાતા તમાકુનો પાક ઉછેરતા ઉછેરતા ખેડૂતોને આંખે અંધારા આવી ગયા હતા. તેમજ ખૂબ જ મોટો ખર્ચ થયો છે, ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ સરકારે આપવા જોઈએ તેવી માગ કરી ખેડૂતોએ સરકાર વિરોધી પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી એ.એન. જોશીએ ખેડૂતોને રૂ. 1,000ના ભાવથી હરાજીની શરૂઆત કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ હરાજીનું કામ પૂન: શરૂ થયું હતું.