Site icon Revoi.in

ગીર સોમનાથમાં કેસર કેરીના પાકમાં ઘટાડાની આશંકાને પગલે ખેડૂતો ચિંતામાં ગરકાવ

Social Share

અમદાવાદઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીના હબ ગણાતા તાલાલા મેંગો માર્કેટનાં ચેરમેને કેસર કેરીના પાકને બચાવવા સહાયની માંગ કરી છે. ચાલુ વર્ષે ગીરમાં 70 ટકા ફલાવરિંગ ન આવતા તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરનાં કારણે કેરીના પાક પર માઠી અસર પડતા આખરે મેંગો માર્કેટનાં ચેરમેનએ સરકારને પત્ર લખી કેસર પકવતા ખેડૂતોને સહાય આપવા વિનંતી કરી છે. ગીરમાં 14 હજાર હેકટરથી વધુ જમીનમાં પ્રખ્યાત કેસર કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે.

તાલાલા ગીર પંથક ગીરનો સિંહ, ગીરનો ગોળ અને ગીરની પ્રખ્યાત કેસર કેરી માટે જાણીતો છે. ગીરમાં 14000 હજારથી વધુ હેકટર જમીનમાં પ્રખ્યાત કેસર કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે એટલે કે વર્ષ 2023- 24માં ગીર સોમનાથ જિલ્લામાંથી 1 લાખ 56 હજાર 433 મેટ્રિક ટન કેસર કેરીનું ઉત્પાદન થયું હતું. અને અંદાજે 300 મેટ્રિક ટન કેસર કેરીની નિકાસ પણ કરવા આવી હતી.  પરંતુ તાલાલા મેંગો માર્કેટનાં ચેરમેનનાં મત મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરને લઈ કોઈને કોઈ કારણોસર કેસર કેરીના પાકમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગીરનું અમૃત ફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ વર્ષે 70 %  બગીચામાં મોર આવ્યા જ નથી. અને જે બગીચાઓમાં ફલાવરિંગ થયું છે, તેમાં પણ રોગ અને જીવાતના કારણે 60 % જેટલા મોર બળીને ખાખ થઈ ગયા છે. જેથી સરકારનું ધ્યાન દોરવા અને સહાય માટે અપીલ કરવામાં આવી છે.

ઘણા ખરા ગીર વિસ્તારનાં ખેડૂતોને છેલ્લા 3 ત્રણ વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ થયું જ નથી. ગીર વિસ્તારના જે મુખ્ય બાગાયત વિસ્તારનાં ગામો છે તે ગામોના ખેડૂતોની આવક 3 વર્ષથી જીરો થઈ ગઈ છે.સાથે તાલાલા મેંગો માર્કેટનાં ચેરમેનનાં મતે ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન શા માટે ઘટી રહ્યું છે તે માટે સરકારે ખેડૂતોના ખેતરે જઈ તજજ્ઞો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. કેસર કેરીનો પાક બચાવવા જો સરકાર કાયમી ધોરણે કોઈ યોજના નહીં વિચારે તો આ વિસ્તાર બાગાયત વિસ્તાર ભૂતકાળ બની જશે. હાલમાં ઘણા ખેડૂતોને પોતાનું ગુજરાન ચલાવવાની મુશ્કેલીનાં કારણે આ વિસ્તારનાં ખેડૂતો કારમી ગરીબીમાં ધકેલાયા છે.