Site icon Revoi.in

ડીસામાં લગ્ન મંડપમાં આગ ભભૂકી ઊઠતા ચોરી -મંડપ બળીને ખાક, જાનહાની ટળી

Social Share

પાલનપુરઃ અખાત્રીજને દિને રાજ્યભરમાં અનેક લગ્નો યોજાયા હતા. જેમાં  ડીસા-ભીલડી હાઇવે પર આવેલા એક ફાર્મમાં  લગ્ન સમારંભ દરમિયાન અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં લગ્નની ચોરી, વોટર કુલર અને મંડપનો સમાન બળીને ખાક થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. બનાવને પગલે સ્થાનિક લોકો અને ફાયર ફાયટરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના આ મોસમમાં અખાત્રિજના દિને જિલ્લામાં અનેક લગ્નો યોજાયા હતા. પાલનપુર, ડીસા સહિત નાના-મોટા શહેરોમાં તમામ પાર્ટી પ્લોટ્સ, ફાર્મ હાઉસ, વાડીઓ લગ્ન માટે અગાઉથી બુક થઈ ગઈ હતી. ત્યારે ડીસા-ભીલડી હાઈવે પર લગ્ન સમારંભમાં લગ્ન બાદ અચાનક આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આગ લાગતાં જ સ્થાનિક લોકોએ આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ચોરી સહિત મંડપ બળીને ખાક થયો હતો. અનેક લોકોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની જાણ ડીસા ફાયર વિભાગને કરાતાં ફાયર ફાયટરોએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. જો કે આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ થતાં ટળી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીસા-ભીલડી હાઈવે પર લગ્ન સમારંભમાં લગ્ન બાદ અચાનક આગ લાગવાની ઘટનામાં કારણ જાણવા મળી શક્યું નથી. કારણ કે. લગ્ન સમારંભ પૂર્ણ થઈ ગયો હતો. અને માંડવિયા પોતાના ઘરે જવાની તેયારી કરી રહ્યા હતા ત્યારે આગ લાગી હતી. આગમાં મંડપ અને ચોરી બળીને ખાક થઈ ગયા હતા.