Site icon Revoi.in

રાષ્ટ્રપતિની મંજૂરી પછી સુપ્રીમ કોર્ટને પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂક

Social Share

નવી દિલ્હી, 1 જૂન 2026: દેશની ન્યાયપાલિકાને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના માનનીય રાષ્ટ્રપતિની લીલી ઝંડી મળ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલય દ્વારા આજે, 1 જૂન 2026ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

ભારતીય બંધારણની કલમ 124 ની પેટા-કલમ (2) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ દ્વારા આ નિયુક્તિઓ કરવામાં આવી છે. આ પાંચ નવા જજોમાં દેશની અલગ-અલગ ચાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ મહિલા એડવોકેટનો સમાવેશ થાય છે.

ભારતના માનનીય રાષ્ટ્રપતિએ જસ્ટિસ શીલ નાગુ (મુખ્ય ન્યાયાધીશ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ), જસ્ટિસ ચંદ્રશેખર (મુખ્ય ન્યાયાધીશ, બોમ્બે હાઈકોર્ટ), જસ્ટિસ સંજીવ સચદેવા (મુખ્ય ન્યાયાધીશ, મધ્યપ્રદેશ હાઈકોર્ટ), જસ્ટિસ અરુણ પલ્લી (મુખ્ય ન્યાયાધીશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ) અને શ્રીમતી વેંકિતા સુબ્રમણિ મોહના (વરિષ્ઠ અધિવક્તા)ને, તેમના પદનો કાર્યભાર સંભાળે તે તારીખથી ભારતીય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો તરીકે નિયુક્ત કર્યા છે.

સરકારી અધિસૂચનામાં જણાવ્યા અનુસાર, આ તમામ ન્યાયાધીશો પોતાના પદનો કાર્યભાર (ચાર્જ) સંભાળશે તે તારીખથી તેમની નિમણૂક સત્તાવાર રીતે અમલી ગણાશે. આ પાંચ નવી નિમણૂકો થવાથી સુપ્રીમ કોર્ટમાં જજોની ખાલી પડેલી બેઠકો ભરાશે, જેનાથી દેશની સર્વોચ્ચ અદાલતમાં પડતર કેસોના નિકાલની પ્રક્રિયા ઝડપી બનશે. ટૂંક સમયમાં જ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) દ્વારા આ તમામ નવા જજોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે.

Exit mobile version