રાજકોટઃ શહેરમાં ગણેશોત્સવ ભારે ઉત્સાહથી ઊજવાઈ રહ્યો છે. દસ દિવસ સુધી ગણપતિ ગજાનનની પૂજા-અર્ચના, આરાધના કર્યા બાદ આવતીકાલે રવિવારે ભાવિકો ભાવભેર વિઘ્નહર્તાની સ્થાપિત મૂર્તિનું નદી-તળાવમાં વિસર્જન કરશે. આ અંગે DCP ઝોન ટુ મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરઘસ યોજીને કે ગરબા રમીને વિસર્જનની કરવાની છૂટ આપવામાં આવી નથી.
ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા શહેરની ભાગોળે જુદા-જુદા સાત સ્થળોએ ગણેશ મૂર્તિ વિસર્જિત કરવાનું નક્કી કરાયું છે. જેમાં આજી ડેમ ઓવરફ્લોના નીચે આવતા ચેક ડેમ, ન્યારા પાટિયા પાસે, જામનગર રોડ, કલાવડ રોડ વાગુદડ બાલાજી ફેક્ટરી પાસે વગેરે સહિત 5 સ્થળોએ જ મૂર્તિનું વિસર્જન થઇ શકશે. આ ઉપરાંત રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું ભાર પાડીને દરેક ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવ્યા છે અને રૂટને કલર કોડ આપવામાં આવેલ છે. આ કલર કોડ મુજબ જ દરેક ગણપતિનું વિસર્જન કરવાનું રહેશે.
રાજકોટમાં જુદા જુદા પંડાલના આયોજક દ્વારા વિસર્જનની મંજુરી માંગવામાં આવી છે. આ મુદ્દે સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલા નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે કત્રિમ કુંડ વિસર્જન કરતી વખતે ભીડ એકઠી કરવી નહી. રાજકોટ શહેર પોલીસ દ્વારા દરેક ગણપતિ વિસર્જનના રૂટ નક્કી કરવામાં આવેલા રૂટને કલર કોડ આપવામાં આવેલ છે. આ કલર કોડ મુજબ જ દરેક ગણપતિનું વિસર્જન કરવાનું રહેશે. જે કલર કોડ આપવામાં આવ્યા છે. જેમાં રેડ કલર – આજી ડેમ વિસ્તાર, ઓરેન્જ કલર- જાખરાપીરની દરગાહ પાસેનો વિસ્તાર, ગ્રીન કલર – વાગુદડ નદીનો વિસ્તાર, બ્લ્યુ કલર – ન્યારાનું પાટીયું હનુમાનધારા પાસેનો વિસ્તારનો સમાવેશ થાય છે.
શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં દર્શાવાયું છે કે પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે નહીં. ગણેશ મૂર્તિ સ્થાપન તેમજ વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓ એક જ વાહન મારફત કરી શકશે. ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશનું વિસર્જન ઘર પર જ કરવામાં આવે તે હિતાવહ રહેશે. સાર્વજનિક ગણેશ સ્થાપનનું વિસર્જન સ્થાનિક સત્તામંડળ દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ વિસર્જન કુંડમાં વિસર્જન કરવાનું રહેશે. આ પધ્ધતિ સિવાયની કોઇપણ પધ્ધતિથી મૂર્તિ વિસર્જન થઇ શકશે નહી. અન્યથા જાહેરનામા ભંગનો ગુનો બનશે.