Site icon Revoi.in

ગુજરાતના વર્ષ 2023-24ના બજેટ માટે સચિવાલયમાં બેઠકોનો ધમધમાટ, વિકાસ કામોને અગ્રતા અપાશે

Social Share

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના બજેટ સત્ર બાદ ગુજરાત રાજ્યનું વિધાનસભા સત્ર યોજાશે. જેમાં આગામી વર્ષ 2023-24 માટે બજેટની જાહેરાત કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થઈ રહ્યું છે અને હવે માર્ચ મહિનામાં જ્યારે બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે બજેટ પહેલાંની તમામ તૈયારીઓ સરકારે શરૂ કરી દીધી છે. નાણા વિભાગ દ્વારા બજેટ અંતર્ગત રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં તબક્કાવાર બજેટની વિભાગ મુજબ બેઠકો મળી રહી છે.  બજેટમાં લાંબાગાળાના વિકાસ કાર્યોનો સમાવેશ કરાશે.

ગાંધીનગર સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ નાણા વિભાગ દ્વારા બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, નામા મંત્રીના અધ્યક્ષસ્થાને અઠવાડિયાના દર ગુરુવાર, શુક્રવાર અને શનિવારના દિવસે મળશે. આ બેઠકમાં તમામ વિભાગો દ્વારા નાણા વિભાગ સમક્ષ પ્રપોઝલ મૂકવામાં આવશે. આ સાથે જ ગત નાણાકીય વર્ષના હિસાબો પણ રજૂ કરવામાં આવશે. આ હિસાબો અંતર્ગત કેટલા રૂપિયાનો ખર્ચ થયો? અને કેટલા રૂપિયા હજુ પણ વણવપરાયેલા છે? તે તમામ બાબતો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ માગણીઓની સમીક્ષા કરીને અંદાજપત્ર તૈયાર કરવામાં આવશે.બજેટમાં  આગામી 5 વર્ષના વિકાસનો રોડ મેપ હશે. ઉપરાંત બજેટની કુલ રકમમાં 15 ટકા જેટલો વધારો કરાશે.બજેટમાં સૌથી વધારે ફોક્સ રોજગારી,કૃષિ અને પીવા અને સિચાઇનું પાણી પહોંચાડવા પર રહેશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, નવનિયુકત ગુજરાત સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી તેમની પાસે કોઇ પ્રમુખ કામગીરી હોય તો બજેટ રજૂ કરવાની છે. આ બજેટમાં કેવા પ્રકારનો વિકાસ કરવા સરકાર ઇચ્છે છે તેનું પ્રતિબિંબ હશે. બજેટનું કદ ગત નાણાંકીય વર્ષ 2022-23ની સરખામણીમાં 15 ટકા જેટલુ વધારાશે. નાણાંકીય વર્ષ 2022-23માં બજેટ રૂ. 1,18,408 કરોડનું હતું. જેમાં 15 ટકા જેટલો વધારો થાય તેવી શકયતા છે. વિવિધ વિભાગો સાથે બેઠકોનો દોર હાથ ધરી દેવામાં આવ્યો છે.મંત્રીઓએ પણ તેમના વિભાગના ટોચના અધિકારીઓને બજેટની તૈયારીની સૂચના આપી દીધી છે.અધિકારીઓને નવી યોજનાઓ કયાં પ્રકારની હોવી જોઇએ તે બાબતને ધ્યાનમાં રાખીને કાર્ય કરવાની પણ સૂચના અપાઇ છે. બજેટમાં નવી યોજનાઓ આવશે,જુની યોજનામાં કોઇ સુધારો કરવા જેવો હોય તો તેમાં સુધારો કરવામાં આવશે. જુની યોજનાઓનું કદ વધારવાનું હોય તો તેમાં પણ વધારો કરવાની શા માટે જરૂર છે તેના કારણો સાથે અધિકારીઓને તૈયારી કરવાની સૂચના આપી દીધી છે.નાણા મંત્રાલય દ્વારા વિવિધ વિભાગો સાથે બેઠક હાથ ધરી દેવામાં આવી છે. એક પછી એક વિભાગ સાથે નાણા મંત્રીની અધ્યક્ષતામાં બેઠકો મળી રહીં છે.