Site icon Revoi.in

ગુજરાતને સરદાર સરોવર યોજના માટે કેન્દ્ર સરકારે બે વર્ષમાં રૂ. 1879 કરોડની ગ્રાન્ડ ફાળવી

Social Share

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં તત્કાલિન યુપીએ સરકાર રોડા નાખતી હોવાના અગાઉ ભાજપ સરકાર દ્વારા દાવા કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં નર્મદા યોજના મુદ્દે અન્યાય કરાતો હોવાના આક્ષેપ કરવામાં આવતા હતા. દરમિયાન હાલ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. ત્યારે બે વર્ષના સમયગાળામાં કેન્દ્ર સરકારે રૂ. 1087 કરોડની ગ્રાન્ટ ગુજરાતને ઓછી ફાળવી હોવાનું જાણવા મળે છે.

ગુજરાત વિધાનસભામાં એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, સરદાર સરોવર યોજના માટે ગુજરાત સરકારે બે વર્ષમાં કેન્દ્ર પાસે 2,967 કરોડ રૂપિયાની ગ્રાન્ટની દરખાસ્ત કરી હતી. જો કે, કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 1879 કરોડ અને 76 લાખની ફાળવણી કરવામાં આવી હતી. વર્ષ 2019માં 2000 કરોડની માગણી કરી હતી, પરંતુ તે વર્ષે રૂ. 1394 કરોડ મળતા બીજા વર્ષે 2020માં ગ્રાન્ટની દરખાસ્ત ઘટીને 967 કરોડ થઈ હતી.

નર્મદા ડેમ પર દરવાજા મુકાયા પછી પણ ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા કેનાલ નેટવર્કમાં 7700 કિમીથી વધુનું કામ હજુ બાકી છે. ભારત સરકારે ત્વરિત સિંચાઈ લાભ યોજના અને હર ખેત કો પાની હેઠળ ગુજરાતને વર્ષ 2018-19માં 1394 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. પરંતુ તે પછીના વર્ષે ઘટીને 2019-20માં 485 કરોડ થઈ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર યોજનાની કેનાલો મારફતે રાજ્યભરમાં લોકોને પીવાનું પાણી પહોંચાવમાં આવે છે. આ ઉપરાંત ખેડૂતોને સિંચાઈ માટે પણ નર્મદાનું પાણી પુરુ પાડવામાં આવે છે.