Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતના વસલાડમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, અનેક સ્થળો ઉપર હળવો વરસાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને ગઈકાલે રાજકોટ અને દક્ષિણ ગુજરાતના વલસાડ વરસાદ વરસ્યો હતો. દરમિયાન આજે સતત બીજા દિવસે પણ વલસાડમાં વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે લોકોએ કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર વલસાડ જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયેલા હતા. દરમિયાન જિલ્લાના ધરમપુર, કપરાડા, વાપી, પારડી, વલસાડ તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પસરી હતી. પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. તો બીજી તરફ પવન ફૂંકાતા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ થોડા સમય માટે ખોરવાયો હતો. જોકે વરસાદને કારણે કેરીને નુકસાન થવાની ભીંતી છે. જેથી ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં ચાલુ વર્ષે વહેલુ ચોમાસુ બેસે તેવી શકયતા છે. કેરલમાં 27મી મેની આસપાસ વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થશે. જ્યારે ગુજરાતમાં 15મી જૂનથી ચોમાસુ બેસશે. આ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સારા વરસાદની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.