Site icon Revoi.in

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લીધે તંત્રને એલર્ટ કરાયુ, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં શુક્રવારે દિવસ દરમિયાન 66 તાલુકામાં ઝાપટાંથી લઈને ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના ચીખલીમાં 4 ઈંચ, ડાંગના સુબીરમાં 3 ઈંચ, તથા સુરતના ઓલપાડ, જુનાગઢના મેંદરડામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બાંદરા અને દેવચડી ગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઇ છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ચોમાસાની સક્રિય સ્થિતિને કારણે દક્ષિણ ગુજરાતનો દરિયોકાંઠો તોફાની બને તેવી શક્યતાઓ છે. ભાવનગર-અલંગ, વિક્ટર સહિતના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયામાં 40 થી 50 કિ.મી.ની ઝડપે તોફાની પવન ફુંકાય  તેવી શક્યતાઓ છે.ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અને હવામાન વિભાગ-અમદાવાદ દ્વારા 27 જૂન સુધી માછીમારો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. જેમાં ભાવનગર, અલંગ, વિક્ટર, મુળદ્વારકા, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ, દહેજ સહિતના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર દક્ષિણ-પશ્ચિમ દિશાથી પશ્ચિમ દિશામાં 40થી 50 કિ.મી.ની ઝડપે ઝાપટાંવાળું હવામાન તેમજ દરિયામાં તોફાની મોજા ઉછળી શકે છે. પવનની ઝડપ વધીને 60 કિ.મી. સુધી પણ પહોંચી શકે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરત, વલસાડ,નવસારી, તાપી, અને ડાંગમાં અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે જુનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને મોરબી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.