Site icon Revoi.in

ગુજરાતમાં આજથી 3 દિવસ માવઠાની આગાહી, જીરૂ સહિતના પાકને બચાવવા ખેડુતો બન્યા ચિંતિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આજે તા. 1લી માર્ચથી ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે. અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાથી શિયાળાએ વિદાય લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે માવઠાની આગાહીને લઈ જીરું સહિતના પાકોને બચાવવા માટે ખેડુતો ચિંતિત બન્યા છે.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે તા. 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ અનુસાર 1 માર્ચ રોજ ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પાટણ સહિત સૌરાષ્ટ્રના કચ્છ, દેવભૂમિ દ્વારકા, અને ગીર સોમનાથમાં માવઠું પડી શકે છે.

હવામાન વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, મંગળવારે હવામાન વિભાગે જે માવઠાની આગાહી કરી હતી. એમાં કચ્છ અને દેવભૂમિ દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. જ્યારે બુધવારે કરેલી આગાહીમાં સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હજુ પણ આગામી 24 કલાક બાદ અન્ય કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે તે અંગે ચોક્કસ માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવશે. (File photo)