Site icon Revoi.in

ગુજરાતમાં દારૂબંધી છતાં બે વર્ષમાં રૂપિયા બે અબજની કિંમતનો વિદેશી દારૂ પકડાયો

Social Share

અમદાવાદ:  ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં બે અબજ યાને 200 કરોડનો વિદેશી દારૂ પકડાયો છે. કહેવાય છે ગુજરાતમાં માત્ર ત્રીજા ભાગનો જ દારૂ પકડાય છે. એટલે ગુજરાતમાં દારૂ પીવાની બદી વધી રહી છે. કોઈ લઠ્ઠાકાંડ સર્જાય ત્યારે પોલીસ એક્શનમાં આવીને દરોડા પાડતી હોય છે. ત્યારબાદ ફરીવાર બધુ રાબેતા મુજબ થઈ જતું હોય છે.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસે કેટલો દારૂ પકડાયો તેની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, પોલીસે ગત વર્ષમાં 215 કરોડ 62 લાખ 52 હજાર અને 275 રૂપિયાની વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. 4 કરોડથી વધુની કિંમતનો દેશી દારૂ અને 16 કરોડથી વધુની બીયર જપ્ત કર્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 606 કરોડ 41 લાખ 84 હજાર 847ની કિંમતના નશીલા દ્રવ્‍યો પકડાયા છે. જેમાં પોલીસે  370 કરોડની કિંમતના અફીણ, ચરસ, ગાંજો, હેરોઈન પકડાયું છે. જ્યારે નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા 4 હજાર 46 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.

આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ નિશાન સાધતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં દર વર્ષે રોકટોક વિના દારૂનું વેચાણ થાય છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. આટલી મોટી દુર્ઘટના સર્જાઇ તેમ છતાં દારૂબંધી મામલે ગુજરાતની ભાજપ સરકાર ચૂપ કેમ છે. ગુજરાત પોલીસે લઠ્ઠાકાંડ બાદ અલગ અલગ શહેરોમાં દેશી દારૂ બનાવનાર ભઠ્ઠીઓ પર રેડ મારી અને કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હતો. સુરત, રાજકોટ જેવા શહેરોમાં મોટાપાયે દારૂ મળી આવ્યો હતો.

ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ ગુજરાત સરકાર સામે આક્ષેપો થવા લાગ્યા છે. ગુજરાતમાં કેમિકલ કાંડથી લોકોના મોત થયા બાદ ફરી દારૂબંધી હટાવવાનો મુદ્દો સળગ્યો છે. જો ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે તો પછી દારૂબંધી કેમ એ મુદ્દે ફરી શંકરસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી સરકાર સામે નિશાન સાધ્યુ છે કે ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાય છે. માત્ર નામની જ દારૂબંધી છે. માત્ર નામની દારૂબંધી રાખવાનો શુ મતલબ. કેમ ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાતી નથી. ગાંધીજીના નામે ગુજરાત ધતિંગવાળી નશાબંધીવાળી નીતિ છોડી શક્તુ નથી.