Site icon Revoi.in

ગાંધીનગરમાં વન વિભાગનો વર્કશોપ યોજાયો, 2070 સુધીમાં શુન્ય ઉત્સર્જનના લક્ષ્યાંકને હાંસલ કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ, તેમજ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ દ્વારા કાર્બન ક્રેડિટ અને માન્યતા પ્રાપ્ત વળતર વનીકરણને બદલતા કાયદાકીય દ્રષ્ટિકોણ હેઠળ સ્વીકારવાના હેતુથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ,  એસ.કે. ચતુર્વેદીએ વન સંરક્ષણ અધિનિયમ, 1980માં 4 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવેલા સુધારાને ઐતહાસિક ગણાવતા જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ કાર્બન ઉત્સર્જનને નાથવા મહત્વની ભૂમિકા ભજવે છે. આ અધિનિયમનો લક્ષ્યાંક 2070 સુધી શૂન્ય ઉત્સર્જનના રાષ્ટ્રીય લક્ષ્યોને હાંસલ કરવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,આ અધિનિયમ હેઠળ કરવામાં આવેલા સુધારાઓ જન ભાગીદારી થકી સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપી જંગલોની ઉત્પાદકતામાં વધારો કરશે. ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદના ડાયરેક્ટર જનરલ  અરુણ સિંઘ રાવતે વર્કશોપમાં વર્ચ્યુઅલ માધ્યમ થકી રાષ્ટ્રીય લક્ષ્યાંકો અને રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન (NDC) સંબંધિત આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ હાંસલ કરવા વન સંરક્ષણ અધિનિયમ, 1980માં કરવામાં આવેલા સુધારાઓની વિગતો આપી હતી. વર્ષ  2021માં દેશના જંગલનો કુલ ભૌગોલિક વિસ્તાર 24.62  ટકા હતો જે કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનના લગભગ 15 ટકા જેટલો છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2005 થી 2021 સુધી સમગ્ર દેશના જંગલોના કાર્બન સ્ટોકમાં લગભગ પાંચ ટકા જેટલો સુધારો કરવામાં ભારત દેશે સફળતા મેળવી છે. ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં જંગલોના સંરક્ષણ અને ટકાઉ વ્યવસ્થાપનના ઉદ્દેશ્યની રાષ્ટ્રીય નીતિઓને કારણે જંગલો અને વૃક્ષોનું આવરણ વધ્યું છે.

ભારતીય વનસંશોધન અને શિક્ષણ પરિષદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શિક્ષણ, સુશ્રી કંચન દેવીએ વનીકરણ ક્ષેત્રના લક્ષ્યાંકને હાંસલ કરવા માન્ય વળતરયુક્ત વનીકરણના મહત્વ વિષે વિગતો આપી હતી. જ્યારે મદદનીશ નિયામક જનરલ (જૈવ વિવિધતા અને આબોહવા પરિવર્તન), ડો.રાજેશ શર્માએ, વર્કશોપના ઉદ્દેશ્યો પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. આ વર્કશોપમાં પ્રાદેશિક કાર્યાલયના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ઑફ ફોરેસ્ટ,  શ્રવણ કુમાર વર્મા,  ગોલ્ડ સ્ટાન્ડર્ડ અને સિનિયર સ્ટાન્ડર્ડ મેનેજર ડૉ. લોકેશ ચંદ્ર દુબે સહીત ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાંથી વન વિભાગ, એન.જી.ઓ, વૈજ્ઞાનિકો, ઉદ્યોગ પ્રતિનિધિઓ, શિક્ષણવિદો અને નીતિ ઘડવૈયાઓના 1000થી વધુ સહભાગીઓએ વર્ચ્યુઅલ માધ્યમ થકી ભાગ લીધો હતો.