Site icon Revoi.in

ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહમાં સાત વિષયોના ફોર્મેટ, તથા ગુણભાર નક્કી કરાયા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ઘણીબધી શાળાઓમાં હવે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ બોર્ડની વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ કરવા લાગ્યા છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના 14 વિષયોના ફોર્મેટ જાહેર કરવામાં આવ્યાં છે. તાજેતરમાં સરકાર દ્વારા ધોરણ 9થી12ની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાના બદલે 30 ટકા પૂછવાનો નિર્ણય લેવાયો હતો. જેના અનુસંધાને બોર્ડ દ્વારા 14 વિષયોના ફોર્મેટ જાહેર કરાયાં છે. અગાઉ બોર્ડ દ્વારા ધોરણ 10,12ના મળી કુલ 26 વિષયોના ફોર્મેટ જાહેર કરવામાં આવ્યાં હતાં. જ્યારે વધુ 14 વિષયો સાથે હવે કુલ 40 વિષયોના ફોર્મેટ જાહેર થઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ધોરણ 9થી12ની પરીક્ષા પદ્ધતિમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. જેના પગલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિષયોના પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણ દીઠ ગુણભારની વિગતો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં છે. આ પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણ દીઠ ગુણભાર માત્ર શૈક્ષણિક વર્ષ 2021-22 માટે જ અમલી રહેશે તેવી પણ સ્પષ્ટતા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. બોર્ડ દ્વારા અગાઉ ધોરણ 10ના 11 વિષયોના પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણદીઠ ગુણભાર જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમજ  ધોરણ 12 સાયન્સમાં 4 વિષયના પ્રશ્નપત્ર ફોર્મેટ અને પ્રકરણ દીઠ ગુણભાર જાહેર કરવામાં આવ્યાં હતાં. જ્યારે બાકીના વિષયોના ફોર્મેટ ટુંક સમયમાં બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે તેમ બોર્ડ દ્વારા જણાવાયું હતું.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે,  બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના 11 વિષયોના ગુણભાર અને ફોર્મેટ જાહેર કરવામાં આવ્યા હતાં. આમ બે તબક્કામાં બોર્ડ દ્વારા 26 વિષયોના ગુણભાર અને ફોર્મેટ જાહેર કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 સાયન્સના વધુ 14 વિષયોના ગુણભાર અને ફોર્મેટ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 7 વિષયના ફોર્મેટ જાહેર કરાયાં છે. જેમાં ગુજરાતી (પ્રથમ ભાષા), ગુજરાતી (દ્વિતિય ભાષા), અંગ્રેજી (પ્રથમ ભાષા), અંગ્રેજી (દ્વિતિય ભાષા), હિન્દી (પ્રથમ ભાષા), હિન્દી (દ્વિતિય ભાષા) અને સંસ્કૃતનો સમાવેશ થાય છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં પણ ગુજરાતી અંગ્રેજી અને હિન્દી પ્રથમ તેમજ દ્વિતિય ભાષા અને સંસ્કૃત મળીને કુલ સાત વિષયોનો સમાવેશ થાય છે.

Exit mobile version