નવી દિલ્હીઃ ભારતનો પડેશી દેશ શ્રીલંકા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે અને પ્રજા રસ્તા ઉપર ઉતરી આવી છે. દરમિયાન હાલ શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ કરવામાં આવ્યું છે. દરમિયાન શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ શ્રીલંકાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, ‘મારો દેશ આ સમયે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.’
તેમણે વધુમાં કહ્યું કે જે લોકો રાષ્ટ્રપતિ ભવનની અંદર છે તેમાં કંઈ ખોટું નથી કારણ કે વિરોધ દરમિયાન બધાએ શાંતિ જાળવી રાખી હતી. જો કે 9 જુલાઈના રોજ પ્રદર્શન દરમિયાન દેશના જુદા જુદા ખૂણામાંથી લોકો આવ્યા હતા. પરંતુ કોલંબોમાં દેખાવકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ અભદ્રતા કરી નથી. પૂર્વ ક્રિકેટરે વધુમાં જણાવ્યું હતું કે, મને આશા છે કે શ્રીલંકામાં જલ્દી લોકશાહી પાછી આવશે. ટોચના નેતાઓએ તમામ ધર્મના લોકોને અને અન્ય લોકોને સાથે લાવવા જોઈએ. જેથી સાથે બેસીને ચર્ચા થઈ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાને ભારત સરકાર દ્વારા યોગ્ય મદદ કરવામાં આવી રહી છે. દરમિયાન ભારત સહિત દુનિયાના અનેક દેશોએ શ્રીલંકાના નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. શ્રીલંકાની હાલની સ્થિતિ પાછળ વિસ્તારવાદી ચીન જવાબદાર હોવાનું શ્રીલંકાની જનતા અને દુનિયાના અનેક દેશો માની રહ્યાં છે.