Site icon Revoi.in

RBIના પૂર્વ ગવર્નર ઉર્જીત પટેલની  AIIB ના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક – દેશને થશે ફાયદો

Social Share

 

દિલ્હીઃ-  રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલની બહુરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંકના વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. બેંક સૂત્રોએ આજરોજ રવિવારે આ અંગેની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ બેંકનું હેડક્વાર્ટર ચીનના બેઇજિંગ શહેરમાં છે.

ઉલ્લેખનીય છે કે ભારત એઆઈઆઈબીનું સ્થાપક સભ્ય છે. ચીન પછી ભારત બીજા નંબરનો સૌથી વધુ મતદાનનો અધિકાર ધરાવતો દેશ છે. આ બેંકના ચેરમેન જિન લિકુઆન છે, જે ચીનના ભૂતપૂર્વ નાણા મંત્રી છે. 58 વર્ષીય પટેલ બેંકના પાંચ વાઇસ પ્રેસિડેન્ટમાંથી એક હશે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. આ સાથે જ ફેબ્રુઆરી મહિનામાં ઉર્જીત પટેલ તેમનો કાર્યકાળ સંભાળી શકે છે.

કાર્યકાળ સંભળતાની સાથે જ ઉર્જિત પટેલ AIIBના આઉટગોઇંગ વાઈસ પ્રેસિડેન્ટ ડીજે પાંડિયનનું સ્થાન લેશે. પાંડિયન દક્ષિણ એશિયા, પેસિફિક ટાપુઓ અને દક્ષિણ-પૂર્વ એશિયા માટે AIIBની લોનનો હવાલો સંભાળે છે. પાંડિયન અગાઉ ગુજરાતના મુખ્ય સચિવ પણ રહી ચૂક્યા હતા. તેઓ આ મહિનાના અંત સુધીમાં ભારત પરત ફરવાના છે.

ઉલ્લેખનીય છે કે ઉર્જિત પટેલ ભારતીય રિઝર્વ બેંકના 24મા ગવર્નર હતા. તેમણે 5 સપ્ટેમ્બર, 2016ના રોજ રઘુરામ રાજનની વિદાય બાદ પદભાર ગ્રહણ કર્યો હતો. પટેલે ડિસેમ્બર 2018માં અંગત કારણોસર ગવર્નર પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યારે હવે  તેઓ એઆઈઆઈબીના ઉપાધ્યક્ષનું સ્થાન સંભાળશે.