Site icon Revoi.in

બેંક લોન કૌભાંડમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સના પૂર્વ એમડી અમિતાભ ઝુનઝુનવાલાની ધરપકડ

Social Share

મુંબઈ, 2 જૂન 2026: રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ગ્રુપના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અમિતાભ ઝુનઝુનવાલાની કરોડો રૂપિયાના બેંક લોન છેતરપિંડી કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તેમને મુંબઈની પ્રખ્યાત આર્થર રોડ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, તેમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈની એક વિશેષ અદાલતે સીબીઆઈને ઝુનઝુનવાલાની ધરપકડ કરવાની મંજૂરી આપી હતી. તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસવામાં આવી રહેલા મની લોન્ડરિંગ કેસમાં અગાઉ નવી દિલ્હીની તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં હતા. મોડી રાત્રે દિલ્હીથી મુંબઈ લાવવામાં આવ્યા હોવાને કારણે, કોર્ટે શરૂઆતમાં તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા અને પોલીસ કસ્ટડીની અરજી પર પછીથી સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું હતું.

અમિતાભ ઝુનઝુનવાલા અનિલ અંબાણીની આગેવાની હેઠળના રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ગ્રુપમાં ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. તેઓ કોર્પોરેટ ફાઇનાન્સ, બેન્કિંગ અને ફંડ્સના ઉપયોગ જેવા અત્યંત મહત્વપૂર્ણ કાર્યોની દેખરેખ રાખતા હતા. સીબીઆઈનો દાવો છે કે, ઝુનઝુનવાલાની સૂચનાઓ અને ઈશારે જ બેંકો પાસેથી મેળવેલી લોનની રકમનું મેનેજમેન્ટ અને અન્યત્ર ડાયવર્ઝન આરકોમ ગ્રુપના અન્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લોન ફંડના કથિત દુરુપયોગને કારણે બેંકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

ગયા અઠવાડિયે સીબીઆઈએ આ ચકચારી કેસમાં 16 વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ચાર્જશીટ (આરોપનામું) દાખલ કરી હતી. વિશેષ અદાલતમાં દાખલ કરાયેલી આ ચાર્જશીટમાં ઝુનઝુનવાલાનું નામ નથી, પરંતુ તેમની સામે તપાસ હજુ ચાલુ છે. ચાર્જશીટમાં જે આરોપીઓના નામ સામેલ છે તેમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ કંપની, તેના 5 વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ બેંકોના 10 ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. ત્રણેય બેંકોના ફંડનો દુરુપયોગ કરીને બેંકોને આર્થિક નુકસાન પહોંચાડવામાં અમિતાભ ઝુનઝુનવાલાની મુખ્ય ભૂમિકા હોવાનું તપાસ એજન્સીનું માનવું છે, જેના કારણે હવે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.

Exit mobile version