Site icon Revoi.in

ફલાઈંગ શીખ તરીકે જાણીતા પૂર્વ દોડવીર મિલ્ખા સિંહનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 

Social Share

ચંદીગઢ: ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહનું નિધન થયું છે. ચંદીગઢની  પીજીઆઇ હોસ્પિટલમાં 91 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તે છેલ્લા એક મહિનાથી કોરોના સામે જજુમી રહ્યા હતા. ચાર વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મિલ્ખા સિંહ કોરોના પોઝિટિવ મળતાં મે મહિનામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રેક અને ફિલ્ડમાં ઘણા રેકોર્ડ બનાવનાર આ દિગ્ગજને ફ્લાઈંગ શીખ કહેવામાં આવે છે.

મિલ્ખા સિંહને 3 જૂને પીજીઆઈમાં દાખલ કરાયા હતા. અગાઉ તેઓ ઘરે સારવાર લઈ રહ્યા હતા,પરંતુ ઓક્સિજનનું સ્તર ઓછું હોવાને કારણે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે તેનો બુધવારે કોરોના રીપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. આ પછી તેને કોવિડ આઇસીયુથી સામાન્ય આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ આ બીમારી તેના માટે ગંભીર થઈ ગઈ હતી. આ અંતર્ગત શુક્રવારે તેનું ઓક્સિજનનું સ્તર ઘટી ગયું હતું અને તાવ આવ્યો હતો. હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની હાલત ગંભીર થઇ ગઈ હતી.

આ પછી તેમના પરિવાર તરફથી પણ નિવેદન આવ્યું હતું.તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ‘મિલ્ખા જી માટે દિવસ થોડો મુશ્કેલ રહ્યો. પરંતુ તે તેની સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. ‘અગાઉ, કોવિડ -19 સંક્રમણ સામે લડતા તેની પત્ની નિર્મલ કૌરનું 13 જૂને મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. કૌર પોતે એથલીટ રહી ચૂકી છે. તે ભારતીય મહિલા વોલીબોલ ટીમની કપ્તાન રહી ચૂકી હતી. નિર્મલ કૌરના લગ્ન વર્ષ 1962 માં મિલખા સિંહ સાથે થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું – “આપણે એક મહાન ખેલાડી ગુમાવ્યો છે’’.

મિલ્ખા સિંહે ચાર વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે 1958 કોમનવેલ્થ ગેમ્સના ચેમ્પિયન પણ રહી ચુક્યા છે. પછી 1960 ની રોમ ઓલિમ્પિક રમતોત્સવમાં તે 400 મીટર દોડની ફાઈનલ મેચમાં ચોથા સ્થાન પર રહ્યા હતા. તેમણે 1956 અને 1964 ની ઓલિમ્પિક રમતોમાં પણ ભાગ લીધો હતો. 1959 માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.