Site icon Revoi.in

ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં UP સહિત 6 પ્રદેશોના સ્થાપના દિવસ ઊજવાયો

Social Share

ગાંધીનગરઃ રાજભવન ખાતે 24મી જાન્યુઆરીને બુધવારે ઉત્તર પ્રદેશ સહિત 6 પ્રદેશોનો સ્થાપના દિન ઊજવવામાં આવ્યો હતો. જેમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતે ક્યારેય પોતાના સૈનિકોને કોઈ ભૂખંડ જીતવા નથી મોકલ્યા. ઇતિહાસ સાક્ષી છે કે, ભારતે પોતાના ધર્મગુરુઓ, સંતો, મનીષીઓને દુનિયાના મન અને આત્મા જીતવા, દુનિયાના સુખ અને આનંદની વૃદ્ધિ માટે મોકલ્યા છે. ભારતે હંમેશા સૌ સુખી થાય, સૌ નિરોગી રહે, સૌનું કલ્યાણ થાય એવી જ વિભાવના રાખી છે. સુખેથી જીવવાનું એક જ સૂત્ર છે એકતા. જ્યાં  એકતા છે ત્યાં જ સુખનો અને આનંદનો વાસ છે.

ગાંધીનગર ખાતે રાજભવનમાં ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત ભવ્ય સમારોહમાં બોલતાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી  અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં રાજ્યના તમામ રાજભવનોમાં તમામ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની ભાવના સાથે થઈ રહેલી ઉજવણીમાં ભિન્ન-ભિન્ન પ્રદેશોના નાગરિકો ભેગા થઈ રહ્યા છે. એકબીજાની નજીક આવી રહ્યા છે. સંગઠિત થઈ રહ્યા છે. બધા ભારતીયો એક પરિવારના સભ્ય છે, આ દેશ આપણા સૌનો છે. એવી લાગણી વધુ સુદ્રઢ બની રહી છે.

ઉત્તર પ્રદેશના નાગરિકોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવતાં રાજ્યપાલ દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભગવાન શ્રીરામની જન્મભૂમિના રાજ્યમાં વસતા સૌ નાગરિકોને રામ જન્મભૂમિ મંદિરની રચના અને શ્રીરામ લલ્લાની સ્થાપનાની વધામણી અને શુભેચ્છાઓ. ઉત્તર પ્રદેશ આધ્યાત્મિકતાનો પ્રદેશ છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ આ રાજ્યમાં જ જન્મ લીધો. ગંગા-યમુના-સરસ્વતી જેવી મહાન પવિત્ર નદીઓ આ રાજ્યમાં વહે છે. ઉત્તર પ્રદેશમાં શ્રી રામ મંદિરની સ્થાપનાથી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ નવા યુગમાં નવી ચેતનાનો સંચાર કર્યો છે.  ચૌદિશામાં ભારતનો વિકાસ થઈ રહ્યો છે. ભારત આત્મનિર્ભર થઈ રહ્યું છે ત્યારે યુવાનોને વિકસિત ભારત માટે યોગદાન આપવા તેમણે અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ વધુ જણાવ્યું હતું કે, ભારત સુંદર દેશ છે. અહીં દર સાત કિલોમીટરે ભાષા, ભોજન, વેશભૂષા અને જીવનચર્યા બદલાઈ જાય છે. આપણી વિવિધતામાં પણ એકતા છે. ભારતનું લોકજીવન રંગીલું છે. દુનિયાના વિકસિત કહેવાય છે એવા દેશોમાં ડિપ્રેશનનું પ્રમાણ ઘણું છે. લોકોના જીવન નિરાશાથી ભરપૂર છે. પણ ભારતના નાગરિકોમાં અભાવને પણ આશીર્વાદમાં બદલવાની સમર્થતા છે. અહીંના ગરીબ-શ્રમિક પણ દિવસભર મહેનત કરીને રાત્રે પોતાની ઝૂંપડીમાં ગીત સંગીતના સથવારે આનંદ અને સુખ મેળવી લે છે.

મણીપુર, મેઘાલય અને ત્રિપુરાનો સ્થાપના દિવસ તારીખ  ૨૧મી જાન્યુઆરીએ હતો અને ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશો; દાદરા અને નગર હવેલી, દમણ તથા દીવનો સ્થાપના દિવસ ૨૬ જાન્યુઆરીએ છે. બે-બે દિવસના અંતરે આવતા આ તમામ પ્રદેશોના સ્થાપના દિવસની સંયુક્ત ઉજવણી બુધવારે રાજભવનમાં કરવામાં આવી હતી.  આ અવસરે ઉત્તર પ્રદેશ, દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મણિપુર તથા દમણ અને દીવના ગુજરાતમાં વસતા નાગરિકોએ પોતપોતાના રાજ્યોના નૃત્ય અને ગીતો પ્રસ્તુત કર્યા હતા. તમામ રાજ્યોના નાગરિકોએ નૃત્ય પ્રસ્તુતિ મન ભરીને માણી હતી. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ સૌ કલાકારોનું સન્માન કર્યું હતું. તમામ રાજ્યોના ગુજરાતમાં વસતા નાગરિકોના પ્રતિનિધિઓએ પોતાના રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. એક ભારતના શ્રેષ્ઠ નાગરિકો પોતપોતાના ક્ષેત્રમાં પૂરી કર્તવ્યનિષ્ઠાથી, સમર્પણની ભાવનાથી કામ કરીએ અને જવાબદાર નાગરિક બનીએ તો આપણું ભારત વિકસિત ભારત બનશે.