Site icon Revoi.in

ધોરાજીમાં પુલ પરથી કાર ખાબકતા ચાર અને તાપીના સોનગઢ પાસે કાર ઝાડ સાથે અથડાતા 3ના મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. બુધવારે બે અકસ્માતોમાં સાતના મોત નિપજ્યા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ભાદર નદીના પુલ પરથી કાર નદીમાં ખાબકતા ત્રણ મહિલા સહિત ચારના મોત નિપજ્યા હતા. જ્યારે બીજો અકસ્માતનો બનાવ તાપી જિલ્લાના સોનગઢ પાસે સર્જાયો હતો. જેમાં એક વૃદ્ધાને બચાવવવા જતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા ત્રણના મોત નિપજ્યા હતા.

પ્રથમ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે,  રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલા ભાદર નદીના પુલ પરથી I-20 કાર પસાર થઈ રહી હતી. દરમિયાન અચાનક કારનું ટાયર ફાટતાં કાર પુલની રેલિંગ તોડીને  ભાદર નદીમાં ખાબકી હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં. આ અંગેની જાણ કરવામાં આવતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની મદદથી કાર અને એમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે તમામના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકનાં નામ 55 વર્ષીય સંગીતાબેન કોયાણી, 52 વર્ષીય લીલાવંતીબેન ઠુમ્મર, 55 વર્ષીય દિનેશભાઈ ઠુમ્મર અને 22 વર્ષીય હાર્દિકાબેન ઠુમ્મર હોવાનું જાણવા મળ્યુ છે. આ કાર માંડાસણથી ધોરાજી તરફ જઈ રહી હતી. ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકનાં પરિવારજનો તથા સ્થાનિક ભાજપના અગ્રણીઓ તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હોસ્પિટલે દોડી ગયા હતા તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ ગોઝારા અકસ્માતને લઈ મૃતકોના પરિવારની સાથે સાથે સમગ્ર ધોરાજી પંથક અને આસપાસનાં ગામોમાં પણ શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કોંગ્રેસના નેતા લલિત વસોયાએ જણાવ્યું હતું કે ધોરાજી પાણીપુરવઠા વિભાગના કર્મચારી દિનેશભાઈ ઠુમ્મર તેમના પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમમાંથી આવતા હતા. કોઈ કારણોસર કાર પુલની દીવાલ તોડી પાણીમાં ખાબકી હતી, જેમાં તેમના પરિવારના ત્રણ અને એક સંબંધી સહિત 4 વ્યક્તિનાં મોત થયાં છે. સમગ્ર બનાવને લઈને મારા સહિત ધોરાજીની પ્રજા દુઃખની લાગણી અનુભવી રહી છે.

બીજા અકસ્માતનો બનાવ તાપી જિલ્લાના સોનગઢ નજીક સર્જાયો હતો. સોનગઢના હીરાવાડી ગામ પાસે એક વૃદ્ધા પગપાળા જઈ રહ્યાં હતાં, જેમને બચાવવા જતાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. વૃદ્ધા સહિત કારમાં સવાર એક મહિલા અને એક બાળકીનું ઘટનાસ્થળે મોત થયું હતું. તો અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સોનગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સોનગઢ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.