Site icon Revoi.in

GPSCની જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજનારી ચાર પ્રાથમિક કસોટીઓ મોકુફ રખાઈ

Social Share

અમદાવાદઃ જીપીએસસી દ્વારા આગામી મહિનામાં યોજાનારી ચાર પ્રિલિમ પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકુફ રાખવામાં આવી છે. આ અંગે જીપીએસસી દ્વારા પરીક્ષાર્થીઓને સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં પરીક્ષાને લઈને નવેસરથી તારીખો ફાઈલ કરવામાં આવશે. દરમિયાન જીપીએસસીની ચાર પ્રિલિમ પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયને પગલે તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભૂમિ મજણી અધિકારી (વર્ગ-1) (નર્મદા, જળ સંપતિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ), નાયબ ભૂમિ મોજણી અધિકારી (વર્ગ-2) (નર્મદા, જળ સંપતિ, પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ), નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ-2 (GWRDC)અને અધિક મદદનીશ ઈજનેર (સિવિલ- વર્ગ-3) (GMC)પદની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેના માટે પ્રાથમિક કસોટીઓ આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાવાની હતી. જો કે, વહીવટી કારણોસર હાલ પુરતી આ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓની નવી તારીખો નક્કી થયા બાદ આગામી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે.