Site icon Revoi.in

ખાનગી શાળાઓના ફી વધારાને FRC મંજુરી ન આપે, વાલી મંડળની સરકારને રજુઆત

Social Share

અમદાવાદઃ કોરોના કાળમાં પ્રજાએ ખૂબ જ સહન કર્યું છે. રોજગાર-ધંધા પડી ભાંગ્યા તેની કળ હજુ વળી નથી. અસહ્ય મોઘવારીને લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. ત્યારે ખાનગી શાળાના સંચાલકો ફી વધારવાની માગણી કરી રહ્યા છે, તેને FRCએ મંજુરી આપવી જોઈએ નહીં, વાલી મંડળે ગુજરાત સરકાર સમક્ષ રજુઆક કરી છે.

ગુજરાતમાં સ્કૂલ ફીને લઈને વિવાદ વકરી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સરકારે 25 ટકા ફી માફી આપી હતી. હવે સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે તો સરકારે વાલીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ એવી વાલી મંડળે માંગ કરી હતી.  વાલીમંડળે આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી છે. આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. FRC કમિટીમાં નવા વર્ષ માટેની ફી દરખાસ્ત મંજુર કરવા ખાનગી સ્કૂલોએ ખર્ચ ઓડિટના હિસાબો સાથે 3 વર્ષની દરખાસ્ત મુકેલી છે.  ફી વધારાની દરખાસ્તને મંજૂરી ના આપવા વાલી મંડળે માંગ કરી છે. ખોટા હિસાબો અને ઓડિટના આધારે FRC ફી વધારો આપે તો FRC સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા વાલી મંડળે ચીમકી આપી છે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે FRC ના તમામ ઝોનના ચેરમેનને પત્ર લખીને જણાવ્યું છે કે જો સ્કૂલો નવી દરખાસ્તમાં ઓડિટ ખર્ચમાં ખોટા હિસાબો અથવા ખોટી રીતે મુકેલા પેપરથી FRC ફી મંજુર કરશે અને વાલી મંડળને જાણ થશે તો સુપ્રીમ કોર્ટમાં FRC  સામેનો કેસ ચાલુ છે, FRC સામે કોર્ટ ઓફ કન્ટેમ્પ કરીશું. નવા વર્ષની દરખાસ્તમાં ઓડિટ ખર્ચમાં વિગતોને ચકાસી, બિલો સાચા કે ખોટા તપાસી ફી મંજૂરી આપવા વિનંતી છે.જો FRC આ ઓડિટમાં ભૂલચૂક કરશે તો તમામ FRC ના સભ્યોની સામે કાયદાની કાનૂની જોગવાઈ મુજબી વાલી મંડળ કાર્યવાહી કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલાં જ ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, કોરોનાને કારણે બાળકોનો અભ્યાસ સંપૂર્ણ પૂરો ન થતા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સરકારે જાહેર કર્યું છે ત્યારે બાળકો સ્કૂલોમાં ભણ્યા નથી અને મોટા ભાગે સ્કૂલે ગયા નથી. ગુજરાત સરકારે 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી ત્યારે માસ પ્રમોશનની જેમ 25 ટકા ફી માફી આપવી જોઈએ. ગુજરાતમાં સ્કૂલો 9 મહિના સંપૂર્ણ બંધ રહી હતી અને સ્કૂલોને કોઈ પણ પ્રકારના ખર્ચ થયા નથી. જેથી માસ પ્રમોશનની જેમ ફી માફીનો અમલ પણ સરકાર કરાવવો જોઈએ.

Exit mobile version