Site icon Revoi.in

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લીધે રાજકોટના રામવનમાં 22મી જાન્યુઆરીએ નિશુલ્ક પ્રવેશ અપાશે

Social Share

રાજકોટઃ અયોધ્યા ખાતે આગામી 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાવવાનો છે. ત્યારે 22મી જાન્યુઆરીએ રાજકોટમાં મ્યુનિ.સંચાલિત રામનવમાં લોકોને મફત પ્રવેશ આપવામાં આવશે. વધુમાં વધુ લોકો આ પવિત્ર દિવસે રામ વનની મુલાકાત લઈ શકે તે માટે મ્યુનિ. દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ નજીક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનપ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ ‘રામ વન’ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે રામ જન્મભૂમિ “અયોધ્યા” ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વધુમાં વધુ નાગરિકો “રામ વન”ની મુલાકાત લઇને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્રને પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર 22 જાન્યુઆરીનાં રોજ તમામ મુલાકાતીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. જાહેર રજાના દિવસે શહેરના લોકો રામવનની વધુ મુલાકાત લેતા હોય છે. ત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને દિવસે પણ વધુ લોકો રામવનની મુલાકાત લઈ શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં મંદિરનો આગામી 22 જાન્યુઆરીનાં રોજ  ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.. 500 કરતા વધુ વર્ષ બાદ યોજાનારા આ સમારોહને લઈ દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ભારે ઉત્સાહ છવાયો છે. આ મહોત્સવમાં સહભાગી થવા માટે સૌ કોઈ થનગની રહ્યા છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટ મ્યુનિ દ્વારા રામ વનમાં મફત પ્રવેશની જાહેર કરવામાં આવી છે. વધુમાં વધુ લોકોને તેનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.