Site icon Revoi.in

પાલિતાણામાં માંડવી ચોક સહિત મુખ્ય બજારમાં વારંવાર સર્જાતો ટ્રાફિક જામ, લોકો પરેશાન

Social Share

પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા પાલિતાણામાં રોજબરોજ અનેક યાત્રાળુઓ આવે છે. બીજીબાજુ પાલિતાણામાં વસતીમાં વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેથી શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિક જામના વારંવાર દ્રશ્યો સર્જાય રહ્યા છે. શહેરના ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો જે અકળ કારણોસર દ્વિમાગીય કરાતા આ રોડ ઉપર ચક્કાજામ અને અકસ્માતના બનાવો પણ વારંવાર બનતા હોય છે. રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

પાલિતાણા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખાડે ગઈ છે,‌ જેથી રાહદારીઓ અને વાહન ચાલકો તોબા પોકારી ગયા છે. પાલિતાણાના મુખ્ય જાહેર રાજમાર્ગ પર આસામીઓ દ્વારા બેરોકટોક રીતે દબાણો કરવામાં આવતા રોડ સાંકડા થઈ રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા આ ગંભીર મામલે પણ આંખ આડા કાન થઈ રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો ઉપર રોડ રોકી ઉભા રહેતા લારી ગલ્લાવાળા તેમજ પાથરણા પાથરી વેપલો કરતા લોકો તેમજ વેપારીઓ દ્વારા ફૂટપાથ ઉપર દબાણ થઈ ગયા છે. આ ઉપરાંત આ માર્ગો પર આડેધડ સ્કૂટર, રિક્ષા, ટેમ્પાઓ, ભાર ખટારા, ટુ વ્હીલર વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે. તેમજ દુકાનદારો તથા તેમના ગ્રાહકો દ્વારા રોડની બંને બાજુ ટુ વ્હીલર્સ વાહનોનો કરાતો ખડકલો રોડને સાંકડો કરી દે છે. પાલિતાણાના વિવિધ વિસ્તારોમાં જ્યાં ત્યાં વાહન પાર્કિંગને લીધે રસ્તા સાંકડા થઈ ગયા છે. ટ્રાફિક સમસ્યાને પાલિતાણા પાલિકા અને પોલીસે સાથે મળીને ઉકેલવી જરૂરી બની છે. નગરપાલિકા દ્વારા પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે તેમ છે.

શહેરના સ્થાનિક નાગરિકોના કહેવા મુજબ પાલિતાણાના રસ્તા સાંકડા છે આથી ટ્રાફિકનો પ્રશ્ન ઉભો થાય છે. રસ્તા પરના દબાણો હટાવવાની કામગીરી નગરપાલિકાએ કરવાની હોય છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા ખાસ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. આ રોડ ઉપર શાક માર્કેટ, ભૈરવનાથ મંદિર, કન્યા શાળા, જુમ્મા મસ્જિદ, સ્ટેટ બેંક, મહાલક્ષ્મી મંદિર, લાઇબ્રેરી, સોની બજાર, કાપડ બજાર, સુખડીયા બજાર આવેલા છે. આ વિસ્તારોમાં આવવા જવા માટે આ રોડ ઉપર સતત ટ્રાફિક રહે છે. ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ એકદમ સાંકડો હોય આ રોડ ઉપર લારીઓ, ભારે વાહનો, થ્રી વ્હીલ ટેમ્પાઓ પ્રવેશ થાય છે એટલે ટ્રાફિક જામ થાય છે.