Site icon Revoi.in

અમદાવાદમાં નારણપુરા ક્રોસિંગથી ગામ સુધી રોડ કપાત સામે લોકોમાં રોષ, ઠેર ઠેર બેનરો લાગ્યાં

Social Share

અમદાવાદઃ શહેરના નારણપુરા વિસ્તારમાં ક્રોસિંગથી ગામ સુધીના દોઢ કિમીના રોડને પહોળો કરવા માટે કપાત કરવાના નિર્ણયનો સ્થાનિક રહિશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. નારણપુરા વિસ્તાર  ભાજપનો ગઢ ગણાય છે છેલ્લા 20 વર્ષથી ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટર અહિયાથી સારી એવી લીડ થી જીતતા આવ્યા છે, ત્યારે હવે આગામી તા.16મીથી રોડ કપાત થઈ રહી હોવાના વાવડ મળતા જ ભાજપના જ ગઢમાં ભાજપ વિરુદ્ધ રાતોરાત સ્થાનિક લોકોએ પોસ્ટર લગાવી અને વિરોધ શરૂ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને લઈ વિવાદ ઊભો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના નેતાઓ નારણપુરા ક્રોસિંગથી ગામ સુધી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે  80 ફૂટનો રોડ 100 ફૂટ કરવા જઈ રહ્યા છે, જેથી બંને તરફ 10 થી 15 ફૂટ જેટલી જગ્યા રોડ કપાતમાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટરોએ આ રોડ કપાતનો જ્યારે વિવાદ ઊભો થયો તો તેમાં કોઈપણ અમે નિર્ણય લઈશું તો તેમાં તમને સાથે રાખીને કરીશું તેમ કહ્યું હતું પરંતુ અચાનક જ હવે રોડ કપાતના અમલીકરણ માટે પોલીસ બંદોબસ્ત માંગવામાં આવતા  સ્થાનિક લોકોએ વિરોધ શરૂ કર્યો છે. નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને લઈ ફરી એકવાર સ્થાનિક લોકોએ બેનર લગાવી વિરોધ કર્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા રોડ કપાત નહીં આવે તેવા વચન આપ્યા બાદ ભાજપના નેતાઓ ફરી ગયા હોવાનું સ્થાનિક રહિશો કહી રહ્યા છે. અને 16 ફેબ્રુઆરીએ રોડ કપાત થશે, તેવી માહિતી સ્થાનિક લોકોને મળતા બેનરો લગાવી વિરોધ કર્યો છે.

આ અંગે નારણપુરાના રહેવાસીઓના કહેવા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ વિસ્તારમાં રોડ કપાતનો મુદ્દો હતો અને સ્થાનિક લોકોએ ખૂબ મોટો વિરોધ કર્યો હતો. જે તે સમયે માજી ધારાસભ્ય કૌશિક પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતના નેતાઓએ નિવેદન આપ્યું હતું કે, સ્થાનિક પ્રજાને વિશ્વાસમાં લઈ અને અમે કામગીરી કરીશું. પરંતુ વિધાનસભાની ચૂંટણીને પૂર્ણ થયાને છ મહિના નથી થયા ત્યારે તેઓ રોડ કપાતનો અમલ કરવા જઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોએ ફરી વિરોધ કર્યો છે. ભાજપ જો ચૂંટણી પહેલા આ રીતે વચન આપીને હવે ફરી જાય તો તેમની ઉપર હવે કેટલો વિશ્વાસ મૂકી શકાય?

રહિશોએ જણાવ્યું હતું કે, નારણપુરાના ધારાસભ્ય જીતુ ભગત અમને કોઈ પણ પ્રકારનું આશ્વાસન આપવા માંગતા નથી. તેઓ અમને કહે છે કે, જો પાર્કિંગ થાય તો તમારે ધ્યાન રાખવાનું. ટોઇંગની ગાડી બોલાવવાની હોય તો તે તમે બોલાવો. તમે આ નહીં કરો તો અમે રોડ કપાત કરવાના છીએ. આમ અમને ગર્ભિત ધમકી પણ આપવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય જો અમને વચન આપ્યું હોય તો ચાલુ ધારાસભ્ય કેમ નિભાવતા નથી? અમદાવાદની પ્રજા સાથે આ રીતે વિશ્વાસઘાત કરતા હોય તો ગુજરાતની પ્રજા સાથે શું કરશે? અમારા ઘરથી 10થી 15 ફૂટ જેટલી જગ્યા છોડેલી છે, છતાં પણ જો ફરીથી આ 15 ફૂટ જેટલો રોડ કપાત કરવામાં આવશે તો અમારે રોડ પર જ વાહન મુકવા પડશે. જો રોડ પર જ અમારે વાહન પાર્ક કરવા પડશે તો પછી ટ્રાફિક જામની સમસ્યા તમે કઈ રીતે દૂર કરશો.